અમદાવાદ: નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વિના ફેલોશીપ કોર્સ ચલાવી દેવાનો કેગ રિપોર્ટ; કોંગ્રેસે તપાસની માંગ કરી


30 માર્ચ 2025 અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કેગના અહેવાલ મુજબ ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સની બેદરકારી સામે આવી છે જેમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વિના ફેલોશીપ કોર્સ ચલાવ્યા હોવાનું સામે આવ્યું છે જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટી તથા ઇન્ચાર્જ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. શું કહેવું છે તેમનું આ મુદ્દે સમજીએ વિગતવાર
4માંથી 3 ફેલોશીપ કોર્સ મંજૂરી લીધા વિના ચલાવાયા
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કાઉન્સિલની મંજૂરી વિના ફેલોશીપ કોર્સ ચલાવ્યાનો કેગનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ દ્વારા 4માંથી 3 ફેલોશીપ કોર્સને મંજૂરી લીધા વિના ચલાવાયા છે. તેમજ 8 વર્ષમાં સુપર સ્પેશિયાલિટી કોર્સમાં માત્ર 6 ડોક્ટરો જ તૈયાર થયા છે. સાથે રજિસ્ટ્રાર કમલ મોદીને રજિસ્ટ્રાર સહિત અન્ય બે ચાર્જ અપાયા અને GUTSમાં એન્જીનીયરને જ પરીક્ષા નિયામક બનાવી દેવામાં આવ્યા છે.
યોગ્ય તપાસ થાય તેવી કોંગ્રેસ પક્ષની માંગણી
તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે આખી યુનિવર્સિટી ઇન્ચાર્જથી ચાલે છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ પ્રાંજલ મોદીએ લાયકાત વગરના પોતાના મળતીયાઓની ગોઠવણ કરી હોવાનું કેગ એહવાલમાં સામે આવ્યું છે. જેની યોગ્ય તપાસ થવી જોઈએ અને જવાબદારો પર કડક કાર્યવાહી થાય તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે.