લાઈફસ્ટાઈલ
વરસાદમાં વાપરો સ્ટાઈલિશ અને વોટરપ્રૂફ એસેસરીઝ


હવે પ્લાસ્ટિકનાં કદરૂપાં સેન્ડલ્સ અને ગમબુટસનો જમાનો ગયો. પહેલાંનાં પ્લાસ્ટિકનાં ચંપલ મજબૂરીમાં ન ગમે તો પણ પહેરવાં જ પડતાં, પણ અત્યારે નવાં પ્લાસ્ટિકનાં રંગબેરંગી નવી ડિઝાઈનનાં ચંપલ પહેર્યા હોય તો બીજાને ઈર્ષા કરાવે એવાં છે. લાલ, પીળા, ડાર્ક પિન્ક, પોપટી, બ્લુ જેવા પગમાં ઊઠીને દેખાય એવા રંગોનાં આ પારદર્શક ચંપલ વરસાદ આવતો હોય ત્યારે ખરેખર સુંદર લાગે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી બાળકો માટે બન્યાં હોય એવાં કાણાંવાળાં ક્રોક્સ શૂઝ બાળકોથી લઈને યંગ યુવતીઓ બધાને જ લોભાવી રહ્યાં છે. બધા જ રંગોમાં અવેલેબલ એવા આ ક્રોક્સ પહેરવાથી ફન્કી તેમ જ ફેશનેબલ લાગે છે. જોકે ક્રોક્સ ફન્કી હોવાથી ફક્ત વેસ્ટર્નવેઅર સાથે જ સારાં લાગશે. આ ઉપરાંત હવે મોજડી અને સ્લિપર્સમાં પણ ઘણી વરાઇટી મળતી થઈ ગઈ છે-જેમ કે રબર સ્લિપર્સ તેમ જ આખામાં કાણાં પાડેલાં હોય એવી મોજડી. એ સ્ટાઈલિશ તો લાગે જ છે, સાથે-સાથે વરસાદનું પાણી કાણાં વાટે બહાર નીકળી જવાથી પગને પણ નુકસાન નથી થતું.
જ્વેલરી : વાત આવી જ્વેલરીની તો પ્લાસ્ટિકની ફન્કી જ્વેલરી જેવો બીજો કોઈ સસ્તો અને સુંદર પર્યાય નથી, કારણ કે પ્લાસ્ટિકની બેન્ગલ્સ હોય, બ્રેસલેટ હોય કે પછી ઈયરરિંગ્સ, બધું જ ધાર્યા ન હોય એવા રંગો અને ડિઝાઈનોમાં મળી જાય છે, આ જ્વેલરીને ભીની થવાથી નથી કોઈ નુકસાન થતું કે નથી રંગ ઝાંખો પડતો એટલે આ ટાઈપની જ્વેલરી કોલેજમાં પહેરવા માટે બેસ્ટ છે.

જેકેટ, રેઇનકોટ અને ટ્રાન્સપરન્ટ છત્રી : સ્કૂલમાં જતી વખતે પ્લાસ્ટિકનો રેઈનકોટ તો બધાએ જ પહેર્યો હશે, પણ કોલેજમાં રેઈનકોટ પહેરવાની વાત આવતાં જ લાગે કે કોઈ મજાક ઉડાવશે તો? જોકે હવે એવા સ્ટાઈલિશ રેઈનકોટનો જમાનો છે જે કોલેજમાં વરસાદથી બચવા માટે ઓછા અને ફેશનરૂપે વધુ પહેરાય છે. આવા પ્લાસ્ટિકના રેઈનકોટ બધાં જ રંગોમાં મળી રહે છે, પણ નિયોન કલર્સ એટલે કે ફ્લરેસન્ટ, પિન્ક, ઓરેન્જ કે ગ્રીન વરસતા વરસાદમાં ખૂબ અટ્રેક્ટિવ લાગશે. રેઇનકોટની જેમ જ જેકેટ પહેરવાનું હવે લોકો વધુ પસંદ કરે છે. આ જેકેટ ટ્રાન્સપરન્ટ નથી હોતાં, પણ એમાં અંદરના ભાગમાં કપડાંનું કે ફરનું મટિરિયલ લગાવેલું હોય છે જેથી બહારથી વરસાદ અને અંદર ઠંડી બન્નેથી રક્ષણ મળે. આ જેકેટ જુદાં-જુદાં કલર્સ અને સ્ટાઇલમાં પણ મળે છે. લાંબી દાદાજીની છત્રીઓ હવે ઈન-ટ્રેન્ડ છે. નોર્મલ છત્રીના મટિરિયલમાંથી બનેલી છત્રીઓ તો બધા જ વાપરે છે, પણ અત્યારે ટ્રેન્ડમાં છે સફેદ પારદર્શક અને એના પર ડિઝાઈન કરેલી પ્લાસ્ટિકની છત્રીઓ. છત્રીઓમાં જુદાં-જુદાં શેપ પણ મળે છે, જેમ કે ચોરસ કે પછી ઊડી ગોળાઈવાળી છત્રીઓ. આવી છત્રીઓ ટ્રેન્ડી અને ફન્કી લુક આપે છે. હવે તો આ છત્રીઓ પોલકા ડોટ્સ કાર્ટુન્સ જેવી ડિઝાઈનોમાં પણ મળે છે.
પ્લાસ્ટિકની હેન્ડબેગ : પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ હેન્ડબેગ કોલેજમાં સુપરફૂલ લાગશે. આ બેગ બે ટાઇપમાં મળે છે. એક તો આખી પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ, બેગ જેમાંથી બેગની અંદર રાખેલી વસ્તુઓ પણ દેખાય અને બીજી એવી જેમાં બહાર પ્લાસ્ટિક અને અંદરના ભાગમાં રેગ્ઝિન કે લેધર લગાવેલું હોય. આ બેગની ખાસિયત એ છે કે એ લાગે તો સુંદર, પણ સાથે-સાથે વરસાદના પાણીથી અંદર રાખેલી વસ્તુઓને પણ પ્રોટેક્ટ કરે છે. આ બેગની હજી એક વરાઈટી એટલે અપારદર્શક સોલિડ પ્લાસ્ટિકની હેન્ડબેગ, જે દેખાવમાં થોડી શાઈની લાગે છે અને નોર્મલ બેગ્સ જેવા જ ડિઝાઈન અને કલરમાં મળે છે. એટલે હવે ઑફિસ હોય કે કોલેજ, બુક્સ અને બીજી વસ્તુઓને વરસાદથી બચાવવા માટે આ પ્લાસ્ટિક બેગ બેસ્ટ છે.