લોહરીના દિવસે કેમ પ્રગટાવાય છે અગ્નિઃ જાણો તેનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ


દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ અગાઉ એટલે કે 13 જાન્યુઆરીએ લોહરીનો તહેવાર ઉજવાય છે. આમ તો આ તહેવાર પંજાબ-હરિયાણામાં મુખ્યત્વે ઉજવાતો હોય છે, પરંતુ હવે ઉત્તર ભારતમાં દરેક જગ્યાએ તેનું મહત્ત્વ છે. પંજાબી સંસ્કૃતિ મુજબ આ દિવસે ખેડૂતો પાક લણવાની શરૂઆત કરે છે. આ દિવસે નવા પાકની પુજા કરાય છે. અગ્નિ પ્રગટાવીને ગોલ, મગફળી, રેવડી, ગજક, ધાણી વગેરે અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ પરિવાર અને આસપાસના લોકો મળીને અગ્નિની પરિક્રમા કરે છે અને પારંપારિક ગીતો ગાય છે. ભાંગડા કરે છે અને આ દિવસનો ઉત્સવ ઉજવે છે.
લોહરી પર્વમાં શું છે અગ્નિનું મહત્ત્વ
લોહરીનું પર્વ સુર્યદેવ અને અગ્નિને સમર્પિત છે. આ પર્વમાં લોકો નવા પાકને અગ્નિદેવને સમર્પિત કરે છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર અગ્નિ દ્વારા તમામ દેવતા ભોગ ગ્રહણ કરે છે. માન્યતા છે કે લોહરીના પર્વના માધ્યમથી નવા પાકને તમામ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એવું કહેવાય છે કે અગ્નિદેવ અને સુર્યને પાક સમર્પિત કરીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને આવનારા સમયમાં સારા પાક તેમજ સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.
આ છે લોહરીનું ધાર્મિક મહત્ત્વ
આ તહેવાર મકરસંક્રાંતિના અગાઉના દિવસે ઉજવાય છે. આ સાથે જ પોષ મહિનાની સમાપ્તિ થાય છે. જે લોકો આ પવિત્ર અગ્નિની ફરતે પરિક્રમા કરે છે તેનું વૈવાહિક જીવન સુમધુર અને મજબૂત બને છે. એટલા માટે જ વૈવાહિક યુગલો પારંપરિક વેશભૂષામાં આ તહેવાર મનાવે છે. બીજી બાજુ આ તહેવાર ખેડૂતો માટે નવું વર્ષ પણ કહેવાય છે. આ તહેવારમાં ઘરમાં નવા પાકની પૂજા પણ કરવામાં આવે છે.
શું છે સામાજિક મહત્ત્વ
પંજાબી રિત-રીવાજ મુજબ જાન્યુઆરી મહિનાને વાવણી અને લણણીનો સમય માનવામાં આવે છે. મુખ્યત્વે આ તહેવાર પ્રકૃતિમાં આવી રહેલા પરિવર્તનોનો આનંદ લેવા માટે મનાવામાં આવે છે. માનવામાં આવે છે કે લોહરીની રાત વર્ષની છેલ્લી સૌથી લાંબી રાત હોય છે. આ પછી દિવસો લાંબા થવા માંડે છે. આ લોકપર્વને ફસલ ઉત્સવના નામથી પણ જાણવામાં આવે છે. દુલા ભટ્ટની વાત પણ બહુ જાણીતી છે. તે એક લુંટારૂ હતો, પરંતુ હિંદુ છોકરીઓ સાથે લગ્ન કરીને તેને બચાવી લેતો હતો. ગીતોમાં તેના પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવે છે.