
- ભૂતપૂર્વ મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપને પગલે છેવટે રાજીવ મોદી વિરુદ્ધ કેસ દાખલ
અમદાવાદ, 31 ડિસેમ્બરઃ અમદાવાદની પ્રખ્યાત કેડિલા ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી ત્યારે આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
બલ્ગેરિયાની મહિલાએ બટલર કમ પર્સનલ આસિસ્ટન્ટની નોકરી દરમિયાન કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (સીએમડી) રાજીવ મોદીએ કરેલી છેડતી, અભદ્ર વ્યવહાર અને શારીરિક અડપલાંની કથિત ફરિયાદ અંગે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટ સમક્ષ દાખલ પીટીશનમાં મહિલાનો દાવો છે કે કેડીલા ફાર્માસ્યુટિકલ સીએમડી રાજીવ મોદીનો ભોગ અન્ય પાંચ જેટલી યુવતીઓ પણ બની છે પણ તે એક યા બીજા કારણોસર મૌન છે.
મહિલા એવો પણ દાવો કરે છે કે રાજીવ મોદીના કરતૂત અંગે કેડીલા ફાર્માસ્યુટિકલમાં અન્ય સ્ટાફના લોકોને પણ માહિતી છે. પિટિશનમાં મહિલાએ આક્ષેપ મૂક્યો છે કે ફોરેનર્સ રીજીયોનલ રજીસ્ટ્રેશન ઑફીસના એક અધિકારીએ પણ રાજીવ મોદીની મહિલાઓ સાથેની અશ્લીલ હરકતો અંગે સ્વીકાર કર્યો છે જેનું કૉલ રેકોર્ડિંગ પણ પોતાની પાસે છે. મહિલાએ એવો આક્ષેપ મુક્યો હતો કે મેનેજર મેથ્યુએ બળજબરી પૂર્વક અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદીની કરતૂતની તપાસ માટે કરેલી ફરિયાદ પાછી ખેંચવાના કાગળ ઉપર સહીઓ કરાવી લીધી હતી અને આ અંગે મહિલા પોલીસ અધિકારીઓ પણ વાકેફ છે અને તેમણે પણ ફરિયાદ ખેચી લેવા માટે સમજાવટ કરી હતી.
આ માટે કોર્ટ સમક્ષ મહિલાએ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવાની માંગ કરી હતી. વિદેશી મહિલાનો એવો પણ દાવો છે કે પોતે મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલા કેસની સુનાવણી પુરુષ જજ દ્વારા કરવામાં આવી હતી જેમાં અયોગ્ય રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, હાજર લોકોએ તેના વીડિયો રેકર્ડ કરી મહિલાની અસ્મિતાને વધારે નુકસાન પહોચાડયું છે. ભોગ બનનાર મહિલાએ રાષ્ટ્રીય મહિલા આયોગ, અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં રાજીવ મોદી સામે એફઆઈઆર દાખલ થાય એ માટે અનેક પ્રયત્ન કર્યા હતા. આ માટે મહિલાએ પોતાની પીટીશન સાથે 27 જેટલા પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા છે. અરજદાર યુવતી દ્વારા કરાયેલી અરજીમાં ફાર્મા કંપનીના સીએમડી વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી.