ગુજરાત: ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ વધુ 15 હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ કરાઇ


- વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઇ
- ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી
- અત્યારસુધી કુલ 28 જેટલી હોસ્પિટલ સસ્પેન્ડ કરાઇ છે
ગુજરાતની વધુ 15 હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ કરાઇ છે. અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે. ત્યારે રાજકોટમાં વિધાનગર રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં કલેઇમની રકમમાં ચેડા થતા હોવાની વાત આરોગ્ય વિભાગને ધ્યાને આવતા PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે, ખ્યાતિકાંડ બાદ અલગ-અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો આરોગ્ય વિભાગે રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં ચેકિંગ પણ કર્યુ હતુ.
વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઇ
ઉલ્લેખનીય છે કે સારવારમાં બેદરકારી, ગેરરીતિ સહિતના કારણે 15 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સારવારમાં બેદરકારી, પીએમજેવાયમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.
ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારસુધી કુલ 28 જેટલી હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સારવારમાં બેદરકારી સહિતના કારણે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી છે.