ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વી રાજ’ યુપીમાં ટેક્સ ફ્રી, સીએમ યોગીની જાહેરાત


ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર દેશભરમાં તેની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વી રાજ’નું પ્રમોશન કરી રહ્યાં છે. ત્યારે દિલ્હીના ચાણક્ય થિયેટરમાં ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીની કેબિનેટના સભ્યો માટે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે યુપીની રાજધાની લખનૌમાં ફિલ્મનું સ્પેશિયલ પ્રીમિયર પણ યોજાયું હતું. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે તેમની આખી કેબિનેટ પણ હાજર રહી હતી. ઉત્તર પ્રદેશના લોક ભવન ખાતે આ સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની કેબિનેટના સભ્યોએ આ ફિલ્મ જોઈ અને બધાએ એક અવાજમાં આ ફિલ્મ સાથે જોડાયેલ દેશના સાચા હીરોની પ્રશંસા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સ્ટાર કાસ્ટ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ જોયા બાદ તેને યુપીમાં ટેક્સ ફ્રી ની જાહેરાત કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ ફિલ્મની પ્રશંસા કરતા કહ્યું કે, આ ફિલ્મ બધાએ જોવી જોઈએ, કારણ કે તે ભારતના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવે છે. વધુમાં તેમને જણાવ્યું કે, આ ફિલ્મ ખૂબ જ સારી બની છે અને લોકો તેને પરિવાર સાથે જોઈ શકે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાનપુર ગ્રામ્ય વિસ્તારના પ્રવાસે હતા. તે સ્ક્રિનિંગમાં થોડા મોડા પહોંચ્યા હતા, પરંતુ તેમની કેબિનેટે આખી ફિલ્મ જોઈ હતી. સ્ક્રીનીંગ બાદ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ એક પારિવારિક ફિલ્મ છે અને દરેકે તેને જોવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ફિલ્મમાં ઈતિહાસ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ છે જે યુવાનોએ સમજવી જોઈએ. ત્યારે યુવાનોએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ જેથી તેઓ પોતાનો ઈતિહાસ સમજી શકે.
અક્ષયકુમારની આ અંગે પ્રતિક્રીયા
અભિનેતા અક્ષય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને ખબર ન હતી કે આ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ગઈ છે. પરંતુ હું આભાર વ્યક્ત કરીશ કે સામાન્ય માણસ પણ હવે આ ફિલ્મ જોઈ શકશે. જોકે, તેમણે જ્ઞાનવાપીના મુદ્દે મૌન ધારણ કર્યું હતું અને કહ્યું હતું કે દેશનો તમામ ઈતિહાસ સામે આવવો જ જોઈએ.