મુંબઈ ઈન્ડિયન્સે સતત 7મી હાર સાથે શરમજનક રેકોર્ડ પોતાને નામ કર્યો, જાણો હવે તેની સ્થિતિ શું થશે


IPLના ઈતિહાસની સૌથી સફળ ટીમ ગણાતી મુંબઈ ઈન્ડિયન્સે નામ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ ટીમ 2022 સિઝનની સતત 7 મેચ હારી ગઈ છે. તમને જણાવી દઈએ કે અત્યારસુધી મુંબઈની ટીમે ક્યારેય પણ આ પ્રમાણે સળંગ હારનો સામનો કર્યો નથી. તેવામાં રોહિતની કેપ્ટનશિપ અને ફોર્મ બંને ખરાબ નજરે પડતા ફેન્સ નિરાશ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સે ગુરુવારે 3 વિકેટથી મુંબઈને હરાવ્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો ટીમ સતત 5 મેચ અગાઉ હારી ચૂકી છે, પરંતુ આ સિઝન રોહિતનું ફોર્મ તથા કેપ્ટનશિપ પહેલા જેવી જણાઈ રહી નથી. જેથી MIએ સાતેય મેચ ગુમાવી દીધી છે. અત્યારે તે પોઈન્ટ ટેબલમાં પણ છેલ્લા નંબર પર છે.
મુંબઈ 6થી વધુ મેચ હારનારી 7મી ટીમ બની
IPLમાં મુંબઈની ટીમ સળંગ એક સિઝનમાં 6થી વધુ મેચ હારનારી 7મી ટીમ બની ગઈ છે. તેની પહેલા ડેક્કન ચાર્જર્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, પુણે વોરિયર્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સતત 6થી વધુ મેચ હારી ચૂકી છે.