ગુજરાત શૈક્ષણિક બોર્ડનો માર્કશીટ વિતરણમાં છબરડો, ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ!


- ગુજરાત શૈક્ષિણક બોર્ડનો માર્કશીટ વિતરણમાં છબરડો
- 8 શાળાની ધોરણ 10ની 80થી વધુ માર્કશીટ ગાયબ!
- શું કહ્યું વડોદરાના DEOએ? વાંચો આ સમાચાર
તાજેતરમાં જ રાજ્યમાં ધોરણ 10 અને 12નું પરિણામ આવ્યું છે. પરંતુ આ પરિણામ બાબતે ગુજરાતના શૈક્ષણિક બોર્ડનો છબરડો સામે આવ્યો છે. જેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બન્યા છે. મહત્વનું છે કે વડોદરામાં ધોરણ 10ની માર્કશીટ મોકલવામાં બોર્ડની બેદરકારી સામે આવી છે. શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ થઈ ગઈ છે. આ મામલે એક બાજુ શાળાના આચાર્યો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તો બીજી બાજુ માર્કશીટ ન મળતાં વિદ્યાર્થીઓને ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.
ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ!
ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ અત્યારે માર્કશીટ વિતરણની કામગીરી ચાલી રહી છે. બોર્ડ દ્વારા દરેક સ્કૂલોને માર્કશીટ પહોંચાડી દેવામાં આવી છે. આ વચ્ચે વડોદરા શહેરની 9 શાળાની ધો.10ની 80થી વધુ માર્કશીટ ગાયબ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. શાળા સત્તાધીશો દ્વારા આ માર્કશીટ ભૂલથી કોઇ શાળામાં આવી હોય તો સંપર્ક કરવા વિનંતી કરતો મેસેજ પણ કરવામાં આવ્યો છે.
કઈ-કઈ સ્કૂલની માર્કશીટ થઈ ગાયબ?
વડોદરા શહેરની 9 શાળાની 80 માર્કશીટ ગાયબ છે. જેમાં હિલ મેમોરિયલ સ્કૂલની સૌથી વધુ 58 માર્કશીટ ગાયબ થઈ છે. જ્યારે એસ.એસ.વી સ્કૂલની 13, શ્રી રઘુકૂળ વિદ્યાલયની 5, MES ગર્લ્સ હાઇસ્કૂલની 2, નૂતન વિદ્યાલયની 2, વેબ મેમોરિયલ હાઇસ્કૂલની 1, ઉર્મી સ્કૂલની 1, મહાત્મા ગાંધી વિદ્યાલયની 1, બરોડા સ્કૂલ ONGCની 1 માર્કશીટ ગાયબ છે.
શું કહ્યું વડોદરાના DEOએ?
મહત્વનું છે કે વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ(DEO)એ આ મુદ્દે જણાવ્યું હતું કે, ક્યારેક જ આવા કિસ્સા બને છે. વહેંચણી વેળા એકાદ ગુણપત્રક અન્ય સંસ્થામાં જતું રહે, પણ DEO કચેરી સંકલન કરીને ગુણપત્રક મળે તેની વ્યવસ્થા કરે છે. બોર્ડની જવાબદારી છે માર્કશીટ પહોંચાડવાની. વિદ્યાર્થીઓએ આ બાબતે ચિંતા કરવાની જરુર નથી.
આ પણ વાંચો: આ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત બનાવવા ક્રાંતિ કરવાની રાજ્યપાલની અપીલ