સરકારે રેટમાં વધારો કરતા આવતીકાલથી મોંઘું થશે આ વીમા યોજનાનું પ્રીમિયમ


સરકારે રેટમાં વધારો કરતા આવતીકાલથી પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ મોંધુ થશે. હવે પીએમ જીવન જ્યોતિ વીમા યોજના માટે વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 થી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
સાત વર્ષ બાદ સરકારે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાના પ્રીમિયમમાં દિવસ દીઠ 1.25 રૂપિયાનો વધારો કર્યો છે. પીએમ જીવન જ્યોતિ યોજનાનું પહેલા વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા આવતું હતું પરંતુ હવે સરકારે તેને વધારીને 436 રૂપિયા કર્યું છે તો બીજી તરફ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કર્યું છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માતમાં વીમાધારકનું મૃત્યુ થાય કે સંપૂર્ણ અપંગ થઈ જાય તો 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. તેમજ આ યોજના હેઠળ જો વીમાધારક આંશિક રીતે કાયમી ધોરણે અક્ષમ થઈ જાય તો તેને રૂપિયા 1 લાખનું કવર મળે છે. આ યોજનામાં 18 થી 70 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ કવર લઈ શકે છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ પણ અગાઉ માત્ર 12 રૂપિયા હતું, જે હવે વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે.