ગુજરાતટોપ ન્યૂઝ

પાલનપુરના ગઢની વિમળા વિદ્યાલય ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે હોસ્ટેલનું લોકાર્પણ

Text To Speech

પાલનપુર તાલુકાના ગઢ વિમળા વિદ્યાલય ખાતે ગૃહ અને રમત- ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુસુમબેન ઝવેરી હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હોસ્ટેલના લોકાર્પણ સમારોહમાં વિમળા વિદ્યાલયના ટ્રસ્ટી કુમારભાઇ ઝવેરીની સાથે મુંબઇથી ફિલ્મ જગતની નામાંકિત અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગૃહમંત્રીએ મગરવાડા માણિભદ્ર વીરના દર્શન અને પૂજા- અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

હર્ષ સંધવી દ્વારા મગરવાડા મણિભદ્ર વીરના દર્શન અને પૂજા-અર્ચના

મંત્રીએ મગરવાડા માણિભદ્ર વીરના દર્શન અને પૂજા-અર્ચના કરી
બનાસકાંઠા આવેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવતીકાલે અષાઢી બીજના દિવસે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા નિકળવાની છે ત્યારે ખુબ વ્યવસ્તા વચ્ચે શિક્ષણના પવિત્ર કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ સંસ્થાની શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ જોઇને આનંદ થાય છે. તેમણે કહ્યું કે, વિમળા વિદ્યાલયમાં ગઢ અને આજુબાજુના ગામના બાળકોના ભવિષ્યાનું ખુબ સારી રીતે ઘડતર થઇ રહ્યું છે. છેવાડાના પછાતા ગણાતા બનાસકાંઠા જિલ્લામાં નેશનલ કક્ષાની સ્કુલ બનાવીને કુમારભાઇ ઝવેરીએ ખુબ મોટી સેવાનું કામ કર્યુ છે. તેમની સેવાને હું બિરદાવું છું.

harsh sanghvi

બનાસકાંઠાના ખમીરવંતા લોકો વતનને ભૂલ્યા નથી
હર્ષ સંઘવીએ કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ખમીરવંતા લોકો સુરત, મુંબઇ, લંડન અને અમેરિકામાં ગયા છે પરંતુ તેઓ તેમના ગામ અને માદરે વતનને ભૂલ્યા નથી. અને સમર્પિતભાવથી ગામના વિકાસ માટે કામ કરે છે. આ જિલ્લાના લોકો એક હાથે દાન કરે તો બીજા હાથને પણ ખબર ન પડે તેવી રીતે સેવાકીય કાર્યો કરે છે. ભૂતકાળમાં બનાસકાંઠાના યુવાનો હીરા ઘસવા સુરત અને મુંબઇ જતા હતા પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાને લીધે આજે બનાસકાંઠા જિલ્લાએ તમામ ક્ષેત્રોમાં પ્રગતિના સોપાનો સર કર્યા છે. ખેડુતો આધુનિક ખેતી તરફ વળીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેવી જ રીત આ જિલ્લાના પશુપાલકોએ બનાસ ડેરીના માધ્યમથી શ્વેતક્રાંતિ લાવી છે. વિમળા વિદ્યાલય ગઢ ઉત્તરોત્તર પ્રગતિ કરીને એક મોડેલ સંસ્થા બને તે માટે ગ્રામજનોએ પણ સાથ સહકાર આપવાની જરૂર છે. તેમણે ટ્રસ્ટી કુમારભાઇ ઝવેરીને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની અન્ય સંસ્થાઓને પ્રેરણા અને દિશા મળે તેવું શ્રેષ્ઠ્ કાર્ય કર્યુ છે.

banskhatha

ઢોકળાવાળા તરીકે ઓળખાતા ગુજરાતીઓ ગોલ્ડ મેડલ લાવતા થયા
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓને દેશ- દુનિયામાં ખમણ- ઢોકળાવાળા તરીકે ઓળખવામાં આવતા હતા. એ મહેણું ગુજરાતના યુવાનોએ અલગ -અલગ રમતોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવીને ભાગ્યું છે. રાજ્ય સરકારની રમત- ગમતની નીતિઓને કારણે ગુજરાતના યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. જ્યારે આઝાદીના ૬૮ વર્ષ પછી ઘેર ઘેર પાણી, ગેસ કનેક્શન તથા વીજળીના બલ્બ પહોંચાડીને દેશમાં અંધારા ઉલેચવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ છે.

Harsh Sanghvi

પદ્મશ્રી ડો. ઈન્દિરાબેને સંસ્મરણો તાજા કર્યા
પદ્મશ્રી ર્ડા.ઇન્દિરાબેન હિન્દુજાએ જણાવ્યું કે, મારી ઇચ્છા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ ર્ડાક્ટર બનવાની હતી પરંતુ જેમના નામ પરથી હોસ્ટેલ બનાવવામાં આવી છે એવા કુમુમબેન ઝવેરીએ મને ગાયનેકોલોજીસ્ટ તરફ મોકલીને નવા સંશોધનો કરવાની તક આપી હતી. તેમણે કુસુમબેન ઝવેરી સાથેના પોતાના સંસ્મરણો વાગોળીને તેમની સેવાઓને યાદ કરી હતી.

Vimla Vidhyalaya

સમારોહમાં ફિલ્મ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીની વિશેષ ઉપસ્થિતિ
જાણિતી ફિલ્મ અભિનેત્રી પદ્મીની કોલ્હાપુરીએ વિમળા વિદ્યાલય ગઢ સંકુલની મુલાકાત લઇ જણાવ્યું કે, જોઇને આનંદ થાય તેવું ખુબ સરસ વિદ્યાસંકુલ ગઢમાં બનાવ્યું છે. તેમણે હિન્દી ફિલ્મના ગીતો ગાઇને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતુ.

Back to top button