

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર્ર–કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનની બેઠક અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ઓનલાઈન દવાઓના વેચાણ સામે સૌરાષ્ટ્ર્રના દવાના વેપારીઓ આગામી સમયમાં લડતનો મોરચો માંડશે તેવા સંચાર મળ્યા હતા. સૌરાષ્ટ્ર્ર–કચ્છ કેમેસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ ઓનલાઈન દવાના વેંચાણ પર હાઈકોર્ટેનો સ્ટે હોવા છતાં પણ બેફામ દવાઓ વેચાણ થાય છે. સરકાર પગલાં નહીં લે અને ઓનલાઇન દવાઓનું વેચાણ બંધ નહી થાય તો આગામી સમયમાં આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
દવાના નામે ડ્રગ્સ પણ વેચવામાં આવે છે : માનદમંત્રી
આ અંગે સૌરાષ્ટ્ર્ર–કચ્છ કેમેસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના માનદમંત્રી અનિમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં કોઈ પણ પ્રકારે ઓનલાઇન વેબસાઈટ મારફત દવા વહેંચી શકાય નહીં. છતાં ઘણી કંપનીઓ આ કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને ઓનલાઈન દવાઓ વહેંચી રહી છે. જેમાં દવાના નામે ડ્રગ્સ પણ વેચવામાં આવે છે. તેના વિરોધમાં અમારી અહીં મિટિંગ મળી હતી. જેમ ઓનલાઇન દવામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે એ જ રીતે અમારા મેડિકલ સ્ટોર્સમાં પણ 10% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
આવતા દિવસોમાં અલગ અલગ શહેરોમાં સંગઠન બનાવવાનું કામ કરાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે કોર્પેારેટ કંપનીઓ કે જે ફાર્મસીના ઉત્પાદનમાં ઝંપલાવ્યું છે તેની સામે કેમ લડવું તે વિષયને લઈને રાષ્ટ્ર્રીય કક્ષાએ કાર્યક્રમ મળ્યો હતો. ત્યારબાદ તબકકાવાર અલગ–અલગ શહેરમાં દવાના વેપારીઓ દ્રારા લડત કેમ આપી અને કોર્પેારેટ કંપનીઓની સામે કેમ ટકી રહેવું તે અંગે સંગઠન બનાવવાનું કામ ચાલી રહ્યું છે.