

આવતીકાલથી અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે આ મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન આજે રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. અત્યારસુધી માત્ર ગણ્યાગાંઠ્યા કેસ નોંધાતા હતા તેમાં અચાનક વધારો થતાં આજે રાજ્યમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે જેમાંથી 14 કેસ એકલા માત્ર અમદાવાદમાં સામે આવ્યા છે.
તહેવારો ટાણે કોરોનાએ ફૂંફાળો મારતા તંત્રની ચિંતા વધી
અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો આજે ધૂળેટી પર્વ ઉજવી રહ્યા છે. બીજી બાજુ તહેવારો ટાણે કોરોના કેસોમાં ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી ઘઈ છે. આ દરમિયાન કોરોના કેસોમાં વધારો થતાં તમામે તકેદારી રાખવાની જરૂર છે. ફરી એકવખત શહેરમાં કોરોનાના કેસ જે થોડા દિવસ અગાઉ માત્ર સિંગલ ડીજીટમાં નોંધાતા હતા તે હવે ડબલ ડીજીટમાં નોંધાઈ રહયા છે. એક સપ્તાહમાં કોરોનાના વધેલા કેસથી તંત્રની સાથે સાથે લોકો પણ ચિંતામાં મુકાયા છે, ત્યારે આજે પણ રાજ્યમાં ડબલ ડીજીટમાં કોરોના કેસો નોંધાયા છે. આજે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 14 કેસ નોંધાયા છે, તો રાજકોટમાં ત્રણ કેસ અને સુરતમાં 2 કેસ નોંધાયા છે. આ દરમિયાન 11 દર્દીઓ સાજા પણ થયા છે.
શું તકેદારી રાખવી ?
કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે ધૂળેટી પર્વની ઉજવણી આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થવાની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત વચ્ચે મ્યુનિ.ના હેલ્થ વિભાગ તરફથી તકેદારીના પગલારુપે લોકોને ગરમ પાણીના કોગળા કરવા, માસ્ક પહેરવા ઉપરાંત ભીડ હોય એવા સ્થળોએ જવાનુ ટાળવાની સાથે કોરોના સંક્રમણથી બચવા બુસ્ટર ડોઝ લેવા અપીલ કરવામાં આવી છે. શરદી-ખાંસી જેવા લક્ષણ જોવા મળે તો નજીકના ડોકટર કે મ્યુનિ.ના અર્બન હેલ્થ સેન્ટર ઉપર સંપર્ક કરવા પણ તંત્ર તરફથી કહેવામાં આવ્યુ છે.