

13 મે અમદાવાદ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચો El Clasico ગણાય છે. આ બંને વચ્ચેની મેચો કાયમ રસપ્રદ રહેતી હોય છે. આ વર્ષની IPLની પહેલી મેચ પણ આ બંને ટીમો વચ્ચે જ ચેન્નાઈના ચેપોક પર રમાઈ હતી. પરંતુ હવે IPL 2024ના છેલ્લા અઠવાડિયામાં એવી પરિસ્થિતિ આવી છે કે આ બંને વચ્ચેની છેલ્લી મેચ જે બેંગલુરુમાં રમાશે તે પ્લેઓફ્સની ચોથી ટીમ નક્કી કરશે.
ગઈકાલે દિલ્હીને 47 રને હરાવીને બેંગલુરુએ પ્લેઓફ્સમાં પહોંચવા માટેની પોતાની આશા ઉજળી કરી દીધી હતી. આ મેચ જીતીને તેને 2 પોઈન્ટ્સ મળતાં તે 12 પોઈન્ટ્સ ધરાવે છે, ઉપરાંત મોટા માર્જીનથી મેચ જીતવાથી તેના નેટ રનરેટમાં પણ સુધારો થઈને તે +0.387 સુધી પહોંચી ગયો છે.
RCBની આગલી મેચ પાંચ વખતના ચેમ્પિયન CSK સામે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. અત્યારની પોઈન્ટ્સ ટેબલની પરિસ્થિતિ એમ જણાવી રહી છે કે આ El Clasico જ નક્કી કરશે કે પ્લેઓફ્સના ચોથા સ્થાન માટે કઈ ટીમ યોગ્ય છે.
જો સુપર કિંગ્સની વાત કરીએ તો અત્યારે તેઓ પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા સ્થાને છે અને તેમના 14 પોઈન્ટ્સ છે અને તેમનો નેટ રનરેટ +0.528 છે. સન રાઈઝર્સ હૈદરાબાદ જેમની પાસે હજી બે મેચો છે તેમના ઓલરેડી 14 પોઈન્ટ્સ છે અને તેમનો નેટ રનરેટ +0.406 છે. હૈદરાબાદને હવે ગુજરાત અને પંજાબ સામે રમવાનું બાકી છે. આમાંથી એક મેચ પણ તે જીતી જાય તો પ્લેઓફ્સ માટેની તેની ટીકીટ બુક થઇ જશે.
લખનૌ સુપર જાયન્ટ્સ પણ પ્લેઓફ્સમાં રમવાના દાવેદાર છે અને તેમણે પણ હજી બે મેચ રમવાની છે. લખનૌએ પણ બે મેચો જીતવી જરૂરી છે પરંતુ તેમનો નેટ રનરેટ અત્યંત ખરાબ એટલેકે -0.769 છે. ગુજરાત અને દિલ્હી ગણિતની દ્રષ્ટિએ હજી પણ રેસમાં છે પરંતુ તેઓ વધુમાં વધુ 14 પોઈન્ટ્સ લઇ શકશે અને બંનેનો નેટ રનરેટ ખરાબ હોવાથી પ્લેઓફ્સમાં સ્થાન પામવું અશક્ય છે.
RCB આ રીતે IPL 2024 Playoffs માં સ્થાન પામી શકે છે
RCB માટે એ જરૂરી છે કે SRH તેની બેમાંથી ઓછામાં ઓછી એક મેચ જીતે જેથી તે ત્રીજા સ્થાને પહોંચી જાય. LSG તેની બેમાંથી ફક્ત એક જ મેચ જીતે. જો આમ થશે તો 18 મે ના દિવસે રમાનારી RCB vs CSK મેચ જ નક્કી કરશે કે બંનેમાંથી કઈ ટીમ પ્લેઓફ્સમાં ચોથું સ્થાન મેળવશે.