અમદાવાદગુજરાત

નર્મદા બાયો-કેમ લિ.ની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ, ડીલર્સોને CMના હસ્તે એવોર્ડ એનાયત

Text To Speech

અમદાવાદ, 01 માર્ચ 2024, ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી છે જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ થયા છે, તેમની આવક બમણી કરવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે.

રાજ્યમાં કેમિકલ ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે
મનસુખ માંડવિયાએ પીએમ પ્રણામ યોજના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા કેમિકલ ખાતરનો ઉપયોગ ઘટશે જેથી આગામી દિવસોમાં કૃષિ કેમિકલમુક્ત બનશે જેનો ફાયદો ખેડૂતોને થશે. રાજય સરકાર વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં કાર્ય કરી રહી છે, જેના પરિણામે છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં કેમિકલ ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે તે આનંદની વાત છે.

ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર ડીલર્સોને એવોર્ડ એનાયત
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત આજે પ્રાકૃતિક ખેતી માટે લીડ લઈ રહ્યું છે. તેમણે ઉપસ્થિત સૌ લોકોને મીઠી ટકોર કરતા કહ્યું કે, રાસાયણિક ખાતર અનેક રોગને નિમંત્રણ આપે છે, જો સ્વસ્થ રહેવું હોય અને જમીન બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી છે. મોદીજીનો ગેરંટી રથ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે.ગુજરાત સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કંપનીના ડીલર્સોને એવોર્ડ એનાયત કરાયા હતા.

આ પણ વાંચોઃમુખ્યમંત્રીનો નિર્ણયઃ ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટને વેગ મળશે

Back to top button