યુપીના ખાટુશ્યામ મંદિરમાં સિમેન્ટની રેલિંગ તૂટતા ભક્તો નીચે ખાબક્યા, 7ને ઈજા


શાહજહાંપુર : ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં રેલિંગ તૂટવાને કારણે અકસ્માત થયો હતો. અહીં, એકાદશીના દિવસે ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. ભીડના કારણે મંદિરની રેલિંગ તૂટી ગઈ, જ્યાં ભક્તો 12 ફૂટની ઊંચાઈએથી પડી ગયા હતા. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભક્તોની સંખ્યા વધી ગઈ હતી
મળતી માહિતી મુજબ, શાહજહાંપુર સ્થિત ખાટુશ્યામ મંદિરમાં એકાદશીના દિવસે શ્યામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ દરમિયાન મંદિરની અંદર જવા માટે બીજા માળે ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડને કારણે કેટલાક લોકો સિમેન્ટની રેલિંગ પર ઉભા રહી ગયા હતા. વધારે વજનના કારણે સિમેન્ટની રેલિંગ તૂટીને નીચે પડી ગઈ હતી. ઘાયલ ભક્તોમાં પુરુષોની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે.
મંદિરમાં નાસભાગના કારણે અકસ્માત સર્જાયો હતો
ભક્તોને ઈજા થતાં મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં કુલ 7 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં જ એસપી સિટી અને સીઓ સિટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એકાદશીના આ પ્રસંગ માટે મંદિર પ્રશાસને કોઈની પણ પરવાનગી લીધી ન હતી. પોલીસ પ્રશાસનને પણ ખબર ન હતી. અકસ્માત બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ટ્રાફિક જામને દૂર કરવા માટે લાંબો સમય સ્થળ પર ઉભા રહ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદઃ ભીખ માગનારે એરિયા પ્રમાણે ગેંગને ચાર્જ ચૂકવવો પડે છે! જાણો ભીખ-બિઝનેસની વાસ્તવિકતા