
રવિવારે મોરબીમાં બનેલી ઝુલતાં બ્રીજ દુર્ઘટનાનાં પડઘાં આખા ગુજરાતમાં સંભળાયા છે. આ ઘટનાં બાદ હવે દરેક વ્યક્તિને કોઈ પણ બ્રીજ પર જતાં પહેલાં ડર ચોક્કસ લાગશે. મોરબી ઝુલતો બ્રિજ તૂટવાની ઘટના બાદ હવે એક સવાલ દરેક અમદાવાદીનાં મનમાં જરૂર થશે કે શું આવી જ ઘટનાં અમદાવાદનાં અટલ ફૂટ ઓવર બ્રીજ પર બનશે તો ? મોરબીના ઝુલતા બ્રિજ અને અમદાવાદનાં અટલ ફૂટ ઓવર બ્રીજ વચ્ચે શુમ તફાવત છે, ચાલો જાણીએ.
આ પણ વાંચો : મોરબી બ્રિજ તૂટવાની ઘટનાઃ સગર્ભનું મોત જોઈને હ્રદય હચમચી ગયું, નજરે જોનારાઓએ જણાવ્યો દુર્ઘટના બાદનો ચિતાર
અટલ બ્રીજ vs ઝુલતો બ્રીજ
સંબંધિત ઉચ્ચ ઇજનેરી અધિકારી સાથે થયેલી વાત મુજબ અટલ બ્રીજ 3000 ચો.મીટર વિસ્તારમાં બંધાયેલો છે. 1 ચો.મીટરમાં 1,2 કે 3 વ્યક્તી ઉભા રહી શકે એ ગણતરી સાથે બ્રીજ પર 3000,6000 અને 9000 વ્યક્તીઓ એક સાથે પર સમાય તો પણ અટલબ્રીજ પર કોઇ ઘટનાં ન બને. જ્યારે મોરબીનો પુલ ફક્ત બન્ને છેડેથી બંધાયેલો અને વચ્ચેથી લટકતો કેબલ હેન્ગીંગ બ્રીજ હતો અને અટલ બ્રીજ એ બન્ને છેડે ફાઉન્ડેશન અને નદીની મધ્યમાં પણ બે ફાઉન્ડેશન ધરાવતો સ્ટ્રીલ સ્ટ્રક્ચર બ્રીજ છે. દેશની ખ્યાતનામ ઇજનેરી સંસ્થાઓ પાસેથી તમામ ચકાસણી કરાવીને અટલ બ્રીજનું સર્ટિફિકેટ મેળવાયુ હોવાનુ કહેવુ છે. ટૂંકમાં મોરબી બ્રીજ અને અટલ બ્રીજની સરખામણી ઇજનેરી દ્રષ્ટિએ ન કરી શકાય.

આ ઉપરાંત અટલ બ્રિજની લંબાઈ 300 મીટર છે, જ્યારે તેનો સ્પાન 100 મીટર જેટલો છે. બ્રિજની પહોળાઈ છેડે 10 મીટર અને વચ્ચે 14 મીટર જેટલી છે. જ્યારે આ બ્રિજનું વજન 2600 ટન છે. જે લોખંડના પાઈપોના સ્ટ્રક્ચરમાંથી બનેલો છે. રંગબેરંગી ફેબ્રિકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત અહીં બનાવવામાં આવી છે. જ્યારે વચ્ચે વૂડન ફલોરિંગ અને બીજે ગ્રેનાઈટ ફ્લોરિંગનો ઉપયોગ કરાયો છે. અહીં પાઈલેશન પરના 2 પિલર પર આખો બ્રિજ ઉભો કરવામાં આવ્યો છે.
અટલ બ્રીજની ખામીઓ
પરંતુ અટલ બ્રીજની બંને બાજુ માત્ર ચાર ફુટ જેટલી ઊંચી કાચ અને સ્ટીલની પાઇપની વ્યવસ્થા છે. પ્રોમીનાડથી બ્રીજ પર જતી સીડી પર માત્ર સ્ટીલની એક સામાન્ય ગ્રીલ જ જોવા મળી. ગ્રીલ વચ્ચે એટલી જગ્યા છે કે કોઇ બાળક કે વ્યક્તિનો પગ લપસે તો સીધા નદીના પાણીમાં પડવાની શક્યતા છે. એક તરફ નદીમાં પડી થતી આત્મહત્યા રોકવા અમદાવાદ મનપાએ તમામ બ્રીજ પર લોખંડની જાળી લગાડી છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં કરોડો રૂપિયાની માતબર રકમ ખર્ચીને તૈયાર કરવામાં આવેલાં અટલ બ્રિજમાં સુરક્ષા વ્યવસ્થાને નામે ભારે ખામીઓ પણ જોવા મળી રહી છે.
ઝુલતા પુલના પર 100 લોકો જઇ શકે તેટલી જ ક્ષમતા હતી
એક માહિતી પ્રમાણે ઝુલતા પુલ પર 100 લોકો જઇ શકે તેટલી ક્ષમતા હતી. જેમાં 500થી વધુ લોકોને બ્રિજ પર જવાની મંજૂરી આપતા આ ગોઝારી ઘટના બની છે. ઝુલતા પુલના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ તેમને બ્રિજ ખુલો મૂકવાની પરમિશન આપી જ નથી. તો પછી પરમિશન વગર જ બ્રિજ ખુલ્લો મુકાયો તેની પાછળ જવાબદાર કોણ ? અને કોના કહેવાથી બ્રિજ ખુલ્લો મુકાયો અને બ્રિજનું સમારકામ થઈ ગયું હતું તેની પૃષ્ટિ ક્યાં અધિકારીએ કરી હતી તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. મેઈન્ટેનન્સ બાદ તાજેતરમાં જ સામાન્ય પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. તેમાં જવાબદાર લોકો સામે પગલા લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

ઝુલતો પુલ ઓવરલોડ થતાં દુર્ઘટના સર્જાઇ
બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય. ત્યારે કેપેસિટી કરતા વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો, જેની પર મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે.

19 મી સદીમાં રાજા સર વાઘજી ઠાકોરે બનાવ્યો હતો પુલ
મોરબીના ઝૂલતા પુલના ઈતિહાસ ઉપર એક નજર કરવામાં આવે તો મોરબીની મચ્છુ નદી પર ઝૂલતો પુલ રજવાડાના સમયમાં પ્રજાવાત્સ્લ્ય રાજા સર વાઘજી ઠાકોર દ્વારા 19 મી સદીમાં એટલે કે, વર્ષ 1887 માં બનાવાયો હતો. જેનો ઉપયોગ તે સમયે રાજા માત્ર રાજ મહેલથી રાજ દરબાર સુધી જવા માટે જ કરતા હતા પરંતુ સમય જતા આ પુલની જવાબદારી મોરબી નગરપાલિકાને સોપવામાં આવી હતી. વર્ષમાં મોટાભાગના દિવસો સુધી આ પુલ બંધ જ રહેતો હતો.
ઝૂલતો પુલ યુરોપિયન શૈલીનું સ્થાપત્ય
મોરબી શહેરની મચ્છુ નદી પર બાંધવામાં આવેલ પુલ એક યુરોપિયન શૈલીનું સ્થાપ્ત્ય છે, જે આજથી સવાસો વર્ષ પહેલાં લંડનનાં મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો એવા મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે બનાવડાવ્યો હતો. આ પુલ સાતસો પાંસઠ ફૂટ લંબાઈ અને સાડાચાર ફૂટ (૪.૬ ફૂટ) પહોળાઈ ધરાવે છે. ઈ. સ. ૧૮૮૭માં આ પુલનું નિર્માણ થયું, ત્યારે તેની જમીનથી સાઠ ફૂટ ઊંચાઈ હતી. 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો. આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ ઝૂલતો પૂલ મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાકાંઠા વિસ્તારને જોડે છે.