ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

દિલ્હીવાસીઓને રાહત : ગવર્નરે વીજળી સબસિડીની ફાઇલને મંજૂરી આપી

  • LG ઉપર સરકારની ફાઇલ દબાવી રાખવાનો આરોપ
  • LG એ દિલ્હીના લોકોને ગેરમાર્ગે ન દોરવાની આપી સલાહ
  • ઉર્જામંત્રીએ ફાઇલ અટકાવવા બદલ LG ઉપર સાધ્યું નિશાન

દિલ્હીમાં વીજળી સબસિડીના મુદ્દે દિવસભર રાજકીય પારો ઊંચો રહ્યો હતો. જ્યારે દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ દાવો કર્યો કે શનિવારથી દિલ્હીમાં મફત વીજળી નથી, તો LGએ પણ વળતો જવાબ આપ્યો હતો. મંત્રીએ LG પર ફાઇલ પોતાની પાસે રાખવાનો આરોપ લગાવ્યો હતો. બંન્ને પક્ષો તરફથી આક્ષેપબાજી બાદ આખરે સાંજે દિલ્હીવાસીઓને રાહત મળી છે. સબસિડીની ફાઇલને મંજૂરી આપતી વખતે, એલજીએ ઉર્જા પ્રધાનને બિનજરૂરી રાજકારણ, ખોટા આરોપોથી દૂર રહેવા અને દિલ્હીના લોકોને ગેરમાર્ગે ન દોરવાની સલાહ આપી છે. બીજી તરફ સબસિડી મામલે એલજીને લીલી ઝંડી મળવાનો શ્રેય લેતા દિલ્હી સરકારે કહ્યું કે તેમના પ્રયાસોથી જનતાના ગુસ્સાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રીએ LG પાસે મળવા સમય માંગ્યો હતો

દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ શુક્રવારે મીડિયાની સામે લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે વીજળી સબસિડી સંબંધિત ફાઇલ અટકાવી દીધી છે. તેમણે દાવો કર્યો હતો કે શનિવારથી દિલ્હીવાસીઓને મફત વીજળી નહીં મળે. આતિશીએ કહ્યું કે તેણે એલજીની ઓફિસમાં મેસેજ મોકલીને માત્ર 5 મિનિટનો સમય માંગ્યો, પરંતુ જવાબ મળ્યો નહીં. એલજીને ફાઈલ જલ્દી પાસ કરવા વિનંતી કરતા કહ્યું કે જો વિલંબ થશે તો વીજળી બિલમાં સબસિડી નહીં મળે. આના કારણે દિલ્હીના 46 લાખ પરિવારો, ખેડૂતો, વકીલો અને 1984ના રમખાણો પીડિતોને મફત વીજળી મળતી બંધ થઈ જશે. ટાટા, BSES એ પત્ર લખ્યો છે કે જો તેઓને સબસિડીની માહિતી નહીં મળે તો તેઓ બિલિંગ શરૂ કરશે.

ઓડિટ ન કરવા બદલ સરકારની ટીકા થઈ

બીજી તરફ, એલજી ઓફિસે જવાબ આપ્યો છે કે તેમને કેટલાક મુદ્દાઓ પર વાંધો છે જેને સુધારવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે એલજીએ પાવર કંપનીઓનું ઓડિટ ન કરાવવા બદલ AAP સરકારની આકરી ટીકા કરી છે. ઊર્જા મંત્રીને એલજી સામે બિનજરૂરી રાજકારણ અને ખોટા આરોપોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખોટા નિવેદનો આપી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. મંત્રી અને મુખ્યમંત્રીએ દિલ્હીની જનતાને જવાબ આપવો જોઈએ કે આ અંગેનો નિર્ણય શા માટે 4 એપ્રિલ સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યો, જ્યારે 15 એપ્રિલની અંતિમ તારીખ હતી. એલજીને 11 એપ્રિલે ફાઇલ કેમ મોકલવામાં આવી હતી. 13મી એપ્રિલે એલજીએ ફાઈલ મંજૂર કરી ત્યારે પત્ર લખીને પ્રેસ કોન્ફરન્સ કરીને ડ્રામા કરવાની શું જરૂર હતી.

Back to top button