અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ પ્રગટતી હોળીમાં સ્માર્ટ મીટરના પોસ્ટરોને દહન કરીને AAP કરશે વિરોધ; જૂના મીટર ચાલુ રાખવાની માંગ

12 માર્ચ 2025 અમદાવાદ: ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ મીટર યોજના લાગુ કરવાની તૈયારીઓ થઈ રહી છે અને ઘણી બધી જગ્યાએ થઇ પણ ચૂકી છે. સરકાર સ્માર્ટ મીટરના ફાયદા ગણાવી રહી છે ત્યારે વિરોધ પક્ષો આ યોજનાને નકારી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે કે વીજળી કંપનીઓને આર્થિક ફાયદો પહોંચાડવા માટે અને દેશની જનતાને વધુ આર્થિક ભારણ આપવા માટેની આ યોજના છે. સ્માર્ટ મીટર જુના મીટરો કરતાં વધુ મોંઘા બેથી દસ ગણા સુધીના ચાર્જ વસુલશે. ત્યારે આમ આદમી પાર્ટી એ અમદાવાદ સહિત રાજ્યભરમાં હોળીના દિવસે સ્માર્ટ મીટરનું દહન કરીને યોજનાનો વિરોધ કરશે અને જૂના મીટર યોજના ચાલુ રાખવાની માંગણી કરશે.

સ્માર્ટ મીટરથી વધારે બિલ આવવાનો ડર
આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. કારણકે ફરી એકવાર ગુજરાતમાં સ્માર્ટ મીટર નાખવાનું શરૂ થયું છે પરંતુ ગઈ વખતની જેમ લોકોના મનમાં શંકા અને ડર છે કે આ વખતે પણ સ્માર્ટ મીટરથી વધારે બિલ આવશે. આ મુદ્દા પર છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં હોળીનો તહેવાર છે અને રાતના સમયે હોલિકા દહન કરવામાં આવશે તે દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરોમાં જાહેર જગ્યાના વિસ્તારોમાં પ્રગટતિ હોળીમાં સ્માર્ટ મીટરના પોસ્ટરોને દહન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હોલિકા દહન નિમિત્તે સમગ્ર રાજ્યમાં કરાશે વિરોધ
આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી સરકારને સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે સરકાર પોતાની મનમાની ચલાવી રહી છે, તેને Aap જરા પણ સહન નહીં કરે અને ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવતી રહેશે. આમ આદમી પાર્ટીની માંગ છે કે સરકાર તાત્કાલિક સ્માર્ટ મીટર લગાવવાના બંધ કરે અને જૂના જે મીટર ચાલુ છે તેને જ કાર્યરત રાખે. જુના મીટરોમાં કોઈપણ ખરાબી નથી કે વીજળી ચોરી થવાની પણ સંભાવના નથી, માટે તે મીટર જ ગુજરાતના લોકો માટે શ્રેષ્ઠ છે. સ્માર્ટ મીટરથી અગાઉ આપણે જોયું કે લોકોએ એડવાન્સમાં પ્રિપેડ રિચાર્જ કરવા પડે છે અને લોકોના અમુક દિવસમાં જ હજારો રૂપિયાના રિચાર્જ ખતમ થઈ જાય છે, જેના કારણે લોકોને સ્માર્ટ મીટર એ સ્માર્ટ લૂંટ લાગી રહી છે. માટે આમ આદમી પાર્ટી હોલિકા દહન નિમિત્તે ફરી એકવાર સ્માર્ટ મીટરનું દહન કરીને સરકારની સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુપ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવીએ એક વિડીયો મારફતે સ્માર્ટ મીટર યોજનાને ગુજરાતમાં આવકારો આપ્યો હતો. જેની સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સામે ગંભીર સવાલો કર્યા હતા. અને કહ્યું હતું કે વાહવાહી કરવાનું બંધ કરો અને ગરીબ જનતા સાથે ઊભા રહો! તમે આજ સુધી એક પણ એવું સેવાકીય કાર્ય ગુજરાતની સામાન્ય જનતા માટે કરી બતાવ્યું હોય તો અમને જણાવો અમે માની લઈએ.

Back to top button