અદાણીએ પાવર પ્રોજેક્ટમાં આ દેશને બતાવ્યો ઠેંગોઃ જાણો શા માટે લીધો આ નિર્ણય?


નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: 2025: શ્રીલંકામાં અદાણીની કંપનીને મોટો ઝટકો લાગ્યો છે. કંપનીએ શ્રીલંકામાં તેના 2 પવન ઉર્જા પ્રોજેક્ટ્સ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સાથે, અદાણીની કંપની શ્રીલંકામાં $442 મિલિયન એટલે કે લગભગ રૂ. 3800 કરોડના પ્રોજેક્ટમાંથી બહાર થઈ જશે. કંપનીએ પવન ઉર્જા પ્રોજેક્ટમાંથી ખસી જવાના તેના નિર્ણય અંગેની માહિતી શ્રીલંકાની સરકારી એજન્સીને મોકલી છે. શ્રીલંકાના અધિકારીઓ દ્વારા કરારમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યા બાદ અદાણીએ આ નિર્ણય લીધો છે.
શ્રીલંકાની નવી સરકાર દ્વારા વીજ દરો પર ફરીથી વાટાઘાટો કરવાના નિર્ણય બાદ કંપનીએ પ્રોજેક્ટ્સમાંથી ખસી જવાની જાહેરાત કરી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તેમને શ્રીલંકામાં નવીનીકરણીય ઉર્જા (RE) પવન ઉર્જા પ્રોજેક્ટ અને બે ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં વધુ ભાગીદારીમાંથી આદરપૂર્વક ખસી જવાના તેના ડિરેક્ટર બોર્ડના નિર્ણયની જાણ કરવામાં આવી છે.”
અદાણી ગ્રુપે બુધવારે શ્રીલંકાના રોકાણ બોર્ડ (BOI) ને એક પત્ર લખ્યો. આમાં, તેમણે સરકારના વલણને માન આપીને પ્રોજેક્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી. તેમાં લખ્યું છે કે સરકાર સાથે કોઈ વિવાદ નથી. કેટલીક બાબતો પર કોઈ સર્વસંમતિ નહોતી. કંપની પવન ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવા અને તેને વપરાશકર્તાઓ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે બે પ્રોજેક્ટ્સમાં કુલ US$1 બિલિયનનું રોકાણ કરવાની હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વ હેઠળની નવી સરકારે પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં નવી સરકાર વીજળીનો ખર્ચ ઘટાડવા માંગતી હતી. આ પ્રોજેક્ટ માટે અગાઉ 20 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) ને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં અદાણી ગ્રૂપ 1 અબજ ડોલરનું રોકાણ કરવાનું થતું.બિલ્ડ-ઓન-ઓપરેટ મોડેલ હેઠળ મન્નાર અને પૂનરીન ખાતે કેટલાક ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિન્ડ એનર્જી ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની હતી.
આ પણ વાંચો..ભારે વોલેટિલીટી વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા