અમદાવાદ: લેબ ટેક્નિશિયનો મળવાપાત્ર લાભોથી વંચિત રખાતા ગાંધીનગર ખાતે આંદોલન શરૂ


11 માર્ચ 2025 અમદાવાદ: રાજ્યમાં કામ કરતા પંચાયતના લેબ ટેકનિશિયન પોતાને મળવા પાત્ર લાભો અને એલાઉન્સની માંગણીને લઈને આજે ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કાર્યક્રમ આપ્યો હતો. રાજ્યમાં લેબ ટેકનીશીયનો છેલ્લા કેટલાય સમયથી સરકાર પાસે તેમના હકની માંગણી કરી રહ્યા છે. અગાઉ 2022 ચૂંટણી પહેલા સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. 2023/24માં પણ તેમની માંગો પૂર્ણ કરાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી માંગણીઓ પૂર્ણ ન થતા આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
માંગણીઓ પૂર્ણ કરવા લેખિતમાં આપ્યું છતાં અમલ નહિ
ડો. મનીષ દોશીએ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના કપરા કાળમાં ફ્રન્ટ વોરિયર તરીકે આ લેબ ટેક્નિશિયનોએ કામ કર્યું હતું. પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવ્યા હતા. 2021/22 થી સતત માંગણી કરતા સરકારે તેમની માંગણીઓ સંતોષવા માટે લેખિતમાં પણ આપ્યું છે છતાં હજી અમલ કરાયો નથી. ત્યારે સવાલ એ થાય છે કે શા કારણે આ માંગણીઓ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે? સાથે ગાંધીનગર ખાતે પોતાની માંગણીઓ માટે પહોંચેલા ટેટ ટાટનાં વિદ્યાર્થીઓ સાથે પણ પ્રશાસન દ્વારા અમાનુષી અત્યાચાર ન કરવો જોઈએ જેમની ગાંધીનગર ખાતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.