

વર્ષ 2023-24ના બજેટમાં કેન્દ્રએ શિક્ષણ ક્ષેત્ર માટે 1.13 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જે ગત વર્ષની સરખામણીમાં 8.3 ટકા વધારે છે. પણ સંસદમાં પૂછાયેલ પ્રશ્નોના હાલમાં મળેલા જવાબો દર્શાવે છે કે, ભારતમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા હજુ ઘણું કરવાની જરૂર છે. સ્ટુડન્ટ – ટીચર રેશીયો અને એક શિક્ષકવાળી શાળાઓ જેવા ઇન્ડીકેટરો દર્શાવે છે કે ટ્રેઇન્ડ શિક્ષકોની દેશમાં ગંભીર અછત છે. આ ઉપરાંત ડીજીટાઇઝ શિક્ષણ પર ભાર મુકાવા છતાં મોટાભાગની શાળાઓ પાસે ઇન્ટરનેટ એકસેસ નથી.
યુપી અને બિહારમાં સૌથી ખરાબ સ્ટુડન્ટ – ટીચર રેશીયો
સૌથી ખરાબ સ્ટુડન્ટ – ટીચર રેશીયો ધરાવતા રાજ્યોમાં એવા રાજ્યો છે, જ્યાં સૌથી વધારે વસ્તી છે અથવા સૌથી વધારે વસ્તી ધનતા છે. યુપી અને બિહાર જ્યાં સૌથી ખરાબ સ્ટુડન્ટ – ટીચર રેશીયો છે, તે સૌથી વધુ વસ્તી ધરાવે છે એટલું જ નહીં પણ દેશના ગરીબ રાજ્યોમાં પણ સામેલ છે. આનાથી વિપરીત જે રાજ્યોમાં ઓછી વસ્તી છે ત્યાં સૌથી સારો સ્ટુડન્ટ – ટીચર રેશીયો છે. નબળો સ્ટુડન્ટ – ટીચર રેશીયો હોવા છતાં હરિયાણા, પ.બંગાળ અને દિલ્હીનો સાક્ષરતા દર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે.
એક શિક્ષકવાળી સૌથી વધુ શાળા ક્યાં ?
દેશની 8 ટકા જેટલી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. કેટલાક વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં પણ એક શિક્ષક ધરાવતી વધારે શાળાઓ છે. દાખલા તરીકે, મધ્યપ્રદેશમાં પ્રાથમિક સ્ટુડન્ટ – ટીચર રેશીયો 25 નો છે તેમ છતાં ત્યાં એક જ શિક્ષકવાળી ઘણી શાળાઓ છે. 310 એક શિક્ષકવાળી શાળાઓ વાળુ કેરળ એવું રાજ્ય છે જ્યાં આવી સૌથી ઓછી શાળાઓ છે. ડીજીટાઇઝ શિક્ષણને આટલા પ્રોત્સાહન છતાં ભારતમાં 25 ટકાથી પણ ઓછી શાળાઓ પાસે ઇન્ટરનેટ એકસેસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં નેશનલ ડીજીટલ લાયબ્રેરી પ્રોગ્રામની જાહેરાત કરી છે. પણ ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અડધાથી પણ ઓછી શાળાઓમાં ઇન્ટરનેટ એકસેસ છે.