

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકની પાંચ દિવસની મુલાકાતે જશે. સ્લોવાકિયાની મુલાકાત દરમ્યાન ડો.એસ.જયશંકર સ્લોવેકિયાના પ્રધાનમંત્રી એડવર્ડ હેગરને મળશે અને વિદેશમંત્રી ઇવાન કોરકોક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
ડો.એસ.જયશંકર ગ્લોબસેક 2022 ફોરમમાં ભાગ લેશે અને “હિન્દ પ્રશાંત વિસ્તારમાં સહકાર” વિષય પર તેમના મંતવ્યો રજૂ કરશે. આ બેઠકની સાથે સાથે, તેઓ ઓસ્ટ્રિયાના યૂરોપિયન અને આંતરરાષ્ટ્રીય બાબતોના મંત્રી એલેક્ઝાન્ડર શૈલેનબર્ગને પણ મળશે.
ચેક રિપબ્લિકની તેમની મુલાકાત દરમિયાન ડૉ. જયશંકર વિદેશમંત્રી જાન લિપાવસ્કી સાથે વાતચીત કરશે. બેઠકમાં દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરવામાં આવશે. ચેક રિપબ્લિક આવતા મહિનાની પહેલી તારીખથી યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ સંભાળી રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સ્લોવાકિયા અને ચેક રિપબ્લિકના વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે, ભારત સ્લોવાકિયા અને ચેક રિપબ્લિક સાથે પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. વિદેશમંત્રીની મુલાકાત આ બે દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને વધુ વેગ આપશે.