

- સીએમ હેમંત બિસવા અને CM પ્રેમા ખાંડુ વચ્ચે થયો સમજૂતી કરાર
- અમિત શાહની હાજરીમાં બંને નેતાઓએ એમઓયુ ઉપર કર્યા હસ્તાક્ષર
- બંને રાજ્યો વચ્ચે 1972થી સીમા વિવાદ ચાલતો હતો
આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે. આસામ અને અરુણાચલ પ્રદેશની સરકારોએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં બંને રાજ્યો વચ્ચેના આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પ્રેમા ખાંડુએ ગુરુવારે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
કરાર પર હસ્તાક્ષર એ મોટી સિદ્ધિ: શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લાંબા સમયથી પડતર આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કરવા પર જણાવ્યું હતું કે બંને રાજ્યો વચ્ચે આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર એ એક મોટી ઉપલબ્ધિ છે. આજે આપણે વિકસિત, શાંતિપૂર્ણ અને સંઘર્ષ-મુક્ત ઉત્તર પૂર્વની સ્થાપનાનું સીમાચિહ્ન પાર કર્યું છે.
કોણે શું કહ્યું?
અમિત શાહે આસામ-અરુણાચલ પ્રદેશ સરહદ કરારને ઐતિહાસિક ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સાથે દાયકાઓ જૂના વિવાદનો અંત આવ્યો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, સરહદ સમાધાન મોટી અને સફળ ક્ષણ છે. તે જ સમયે, અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ તેને ઐતિહાસિક ગણાવ્યું. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 1972થી સીમા વિવાદ ચાલી રહ્યો છે. આજે અમે તમામ વિવાદો વાતચીત દ્વારા ઉકેલ્યા છે. ગૃહમંત્રી શાહના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદથી આ વિવાદનો ઉકેલ આવ્યો છે, તે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
એક દિવસ પહેલા કેબિનેટમાંથી મંજૂરી મળી હતી
આસામ કેબિનેટે બુધવારે (એપ્રિલ 19) અરુણાચલ પ્રદેશ સાથેના દાયકાઓ જૂના સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી 12 ઝોનલ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણોને મંજૂરી આપી હતી. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતા આસામના મંત્રી અશોક સિંઘલે કહ્યું હતું કે આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લાંબા સમયથી પડતર સીમા વિવાદનો ઉકેલ આવવા જઈ રહ્યો છે.