કેસર કેરીની સિઝન પૂરી થવાને આરે, માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક ઘટી, બોક્સે 350 રૂપિયા પણ ઘટ્યા


કેરીની સીઝન આ વર્ષે વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂર થવાનો સમય નજીક આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. વાવાઝોડા અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન તો ઓછું રહ્યું હતું. કેરીના બોક્સ દીઠ રૂ. 250થી 350નો ઘટાડો થયો છે. જેના કારણે છૂટક બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.450થી 1200 સુધી થઈ ગયો છે અને ભાવ હજુ ઘટી રહ્યા છે.
તાલાલા તરફની સિઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહિંવત મળતી હશે. કેસર કરી માટે તલાલા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે.
હોલસેલમાં ભાવ તૂટતાં છૂટક બજારને અસર
કેસર કેરીની સિઝન પૂરી થવા આવી હોવાથી હોલસેલ ભાવમાં રૂ.300 જેટલો ઘટાડો થયો છે. જેની અસર છૂટક બજારમાં બોકસ દીઠ રૂ.250થી 350 સુધી જોવા મળી છે. કેરીના ભાવ ઊંચા છે છતાં અગાઉના વર્ષો જેવા સ્વાદ ન મળતા આ વર્ષે કેરીની માગ પણ ઓછી રહી છે.

પોરબંદર પંથકમાં કેરીના બોક્સની આવક ઘટી
પોરબંદરમાં ભર ઉનાળે પણ કેરીની આવક ઓછી રહેતા કેરીની રાહ જોઇને બેઠેલા કેરીના સ્વાદનો શોખીનો નિરાશ થયા છે તો બીજી તરફ ઓછી આવકના લીધે કેરીના ભાવ પણ ભારે ગરમી જોવા મળી રહી છે. ગત વર્ષે 15000 બોક્સની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર 2600 કેરીના બોક્સની આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક 1500 અને ગીરની કેસર કેરીના 1000 બોક્સની આવક થાય છે.પોરબંદરમાં ચાલુ વર્ષે કેરીની આવક ઓછી માત્રામાં થઈ રહી છે.
ગયા વર્ષની વાત કરીએ તો આ સીઝન દરમિયાન 15000 જેટલા કેરીના બોક્સની આવક થઇ રહી હતી. જેમાં તાલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં થતી હતી. પરંતુ ચાલુ વર્ષે તાલાલા ગીરની કેસર કેરીની આવક ખૂબ જ ઘટી છે. અને માત્ર 1000 બોક્સની આસપાસ કેરીની આવક થઈ રહી છે, ત્યારે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય પંથકમાં ખાસ કરીને બરડા ડુંગરની આસપાસ આવેલ ગ્રામ્ય પંથકમાંથી કેરીની આવક થાય છે.

પોરબંદરના ગ્રામ્ય પંથક અને તાલાલાની કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ
પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક કેરીની આવક થઈ રહી છે, ત્યારે સ્થાનિક કેરીના 10 કિલો બોક્સના 1050 અને તાલાળા ગીરની પ્રખ્યાત કેસર કેરીના 10 કિલોના બોક્સના ભાવ 500 થી 700 રૂપિયા છે. આમ ચાલુ વર્ષે તાલાલા ગીરની કેસર કેરી કવોલીટીમાં નબળી હોવાથી ઓછા ભાવ હોવાનું જણાવવામાં આવ્યુ હતું.
પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે સ્થાનિક કેરીની આવક વધુ માત્રામાં થઈ રહી છે, ત્યારે ખાસ કરીને બરડા ડુંગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આંબાના બગીચા છે. જેમાં ખંભાળા, હનુમાનગઢ, તરસાઈ, કાટવાણા, આદિત્યાણા સહિતના ગ્રામ્ય પંથકમાં આંબાના બગીચા છે. અને ત્યાંથી કેરીની આવક થઈ રહી છે.