ભારે હિમવર્ષાના કારણે ગ્લેશિયર તૂટ્યું, 57 મજૂરો દટાયા, યુદ્ધના ધોરણે બચાવકાર્ય


દેહરાદૂન, 28 ફેબ્રુઆરી : ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષાના કારણે માના ગામ પાસે હિમપ્રપાતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, માના ગામની ઉપર આવેલા હિમસ્ખલનમાં 57 મજૂરો દટાયા હોવાના અહેવાલ છે. 10 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર, ITBP અને BROની ટીમો સ્થળ પર છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ હિમપ્રપાત વસ્તીવાળા વિસ્તારથી કેટલા દૂર છે. હાલ આ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા પણ ખાસ મદદની તૈયારી દર્શાવવામાં આવી છે. સરકાર સતત જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહી જાણકારી મેળવી રહી છે.
છેલ્લા 24 કલાકથી ઘણા વિસ્તારોમાં હિમવર્ષા
ઉત્તરાખંડના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા થઈ રહી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. કેદારનાથ ધામ, ત્રિયુગીનારાયણ, તુંગનાથ, ચોપટા અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને અન્ય જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની સ્થિતિ યથાવત રહેશે.
હિમાચલમાં આપત્તિજનક વરસાદ અને હિમવર્ષા
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના યાંગપા વિસ્તારમાં પણ એક ગ્લેશિયર અચાનક તૂટી પડ્યું. જો કે આ અકસ્માતમાં કોઇપણ પ્રકારનું નુકસાન થયું નથી. ત્યારે કુલ્લુ જિલ્લામાં વરસાદને કારણે, ભૂતનાથ નાળામાં ઘણા વાહનો ધોવાઈ ગયા હતા અને ગાંધી નગરમાં ઘણા વાહનો કાટમાળ નીચે દટાયા હતા. કુલ્લુ, શિમલા, ચંબા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં પણ વરસાદે તબાહી મચાવી છે. આ જિલ્લાઓમાં શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને સ્થાનિક હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ ના ના આ શોરૂમ નહીં, ચોરરૂમ છે! રૉયલ એન્ફિલ્ડ સહિત 100 બાઇક ચોરનારની ગજબ કરામત