ગુજરાત

બનાસકાંઠામાં ખેડૂતો વિવિધ પ્રશ્નોને લઈ આકરા પાણીએ

Text To Speech

બનાસકાંઠા જિલ્લા કિસાન સંઘે તેમની વિવિધ પડતર માગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. પાલનપુર ખાતે કિસાન સંઘે ખેડૂતો સાથે મોટી સંખ્યામાં હાજર રહી ધરનાનો કાર્યક્રમ યોજ્યો હતો. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકાર કિસાનોના પ્રશ્નોને ધ્યાને લઈને ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

વિવિધ પડતર માગણીઓને લઈને ખેડૂતોનો વિરોધ 

બનાસકાંઠા કિસાન સંઘ દ્વારા પાલનપુર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કિસાનોએ સરકાર તરફથી પ્રશ્નનો ઉકેલ ન આવતા ધરણા યોજીને વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોના કહેવા મુજબ ખેતીવાડીના કનેક્શનમાં વીજબિલના સમાન દર તેમજ દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણી નહીં રાખવામાં આવે તો પશુપાલન પર તેની ગંભીર અસર પડશે અને પશુપાલન પર નભતા આ જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય નામશેષ થઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.

પ્રશ્નોનો વહેલી તકે સરકાર ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ 

જ્યારે જિલ્લાની નદીઓ અને પુન:ર્જીવિત કરવા અને સુજલામ સુફલામ નહેરમાં પાણી નાખવાની પણ માગણી કરી હતી. આ સાથે વર્ષોથી રીસર્વે માટેના અનેક પ્રશ્નો આજે પણ ઉકલ્યા નથી. રિસર્વેમાં અનેક ગોટાળા થયા હોવાના આક્ષેપ ખેડૂતોએ કરી અને આ પ્રશ્નોનો પણ વહેલી તકે સરકારે ઉકેલ લાવવાની જરૂર છે, તેમ જણાવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

Back to top button