

આમ તો રાજ્યમાં મધ્યસ્થ જેલ અને સબ જેલ કેદીઓને રાખવા માટે સુરક્ષીત જ છે પરંતુ ક્યારેક તેમાં ચુક રહી જાય તો તેનો લાભ બીજું કોઈ લઈ જાય કે નહીં પણ કેદીઓ તો ઉઠાવી જ લે છે. એવું જ કંઇક બન્યું છે સુરેન્દ્રનગરના લીંબડીની સબજેલમાં. અહિયાં સબ જેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. ભાગી ગયેલો કેદી હત્યા કેસનો આરોપી હતો. ચોંકાવનારી વાત તો એ છે કે તે જ્યારે પણ જેલમાંથી ભાગ્યો ત્યારે લીંબડી સબજેલનો જેલર અને સ્ટાફ સૂતો હતો.
જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી
સુરેન્દ્રનગરની લીંબડી સબજેલની દીવાલ કૂદી અને હત્યાનો આરોપી ફરાર થઇ જવા મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર બાબુ ઉર્ફે ટાપુડીયો પરમાર નામનો હત્યા કેસમાં સજા ભોગવી રહેલો આરોપી સબ જેલની દીવાલ કૂદી ફરાર થયો હતો. હાલ પોલીસ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક લીંબડી પોલીસ પણ કામે લાગી છે. ત્યારે બીજી બાજુ પોલીસ કામગીરી પર પણ સવાલ ઉભા થયા છે.