રાજકોટમાં થયેલી પડકારજનક લૂંટનો ભેદ ઉકેલાયો : હત્યાના આરોપીને જેલમાંથી છોડાવવા પ્લાન ઘડ્યો’તો


રાજકોટ શહેરના માયાણી ચોકમાં એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને આંતરીને માર મારી ત્રણ શખસ રૂપિયા 5 લાખની રોકડ સાથે એક્ટિવા પણ લૂંટીને ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં જ આ પડકારજનક લૂંટનો ભેદ ઉકેલીને બે સગીર અપરાધી સહિત રાજકોટ, મોરબીના 4 શખસની અટકાયત કરી લૂંટનો તમામ મુદ્દામાલ અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ સ્કૂટર કબજે કર્યું હતું. પોલીસ તપાસમાં સમયે આવ્યું હતું કે ગુનામાં ઝડપાયેલ એક સગીર આરોપી અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. તેમના સાથી આરોપી હજુ જેલમાં છે. તેમને છોડાવવા માટે રૂપિયાની જરૂર હોવાથી આ લૂંટ આચરી હતી.
મળતી વિગત મુજબ રાજકોટ શહેરના માયાણી ચોક નજીક મંગળવારે સાંજના સમયે રૂ.5 લાખની લૂંટ થયાની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ કે.એન. ભુકણ, અને પોલીસ સ્ટાફ, ક્રાઈમ બ્રાંચના પીઆઇ જે.વી. ધોળા, વાય.બી. જાડેજા અને તેમની ટીમ, એસઓજી પીઆઇ જે.ડી. ઝાલા, સહિતના દોડી ગયા હતા. એસીપી ક્રાઈમ ડી.બી. બસીયાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદમાં લૂંટનો ભોગ બનનાર ઉદયનગર-1, શેરી નં 10, માધવ એપાર્ટમેન્ટ, મવડી મેઇન રોડ, રાજકોટના વિશાલ અનિલભાઈ ઘોરેચા (ઉ.વ. 30) છેલ્લા દોઢ વર્ષથી આજી રીંગ રોડ, કોઠારીયા ચોકડી પાસે, મુરલીધર વે – બ્રીજ ની પાછળ, સહજાનંદ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સુફલામ ક્રોપ્સ સાયન્સ નામની કંપનીમાં પ્રોડકશન મેનેજર તરીકે નોકરી કરે છે. વિશાલ મંગળવારે બપોરે કારખાને કામ પર હતો ત્યારે કારખાના માલિક યોગેશભાઇ ગોધાણીએ ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલપંપ નજીક પ્લેનેટ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી એનઆર આંગડિયા પેઢીમાં આવેલું તેનું રૂ.5 લાખનું આંગડિયું લઇ આવવા કહ્યું હતું. વિશાલ એક્ટિવા લઇ આંગડિયા પેઢીએ પહોંચ્યો અને રૂ.5 લાખ રોકડા લઇ એક્ટિવાની ડેકીમાં રાખી રવાના થયો હતો. વિશાલ માયાણી ચોક નજીક પહોંચ્યો હતો ત્યારે પાછળથી ટ્રિપલસવારીમાં એક્ટિવા ધસી આવ્યું અને તેણે ઓવરટેક કરી વિશાલના એક્ટિવા સામે જ પોતાનું વાહન રાખી દીધું હતું, ત્રણ પૈકીનો એક શખ્સ હુમલાના ઇરાદે વિશાલ સામે ધસી જતા નીચે ઉતર્યો હતો, અને ત્રણેય શખ્સે વિશાલને પકડી મારકૂટ શરૂ કરી બે શખ્સે વિશાલને છોડી તેનું એક્ટિવા લઇ બે શખ્સ નાસી ગયા હતા, જ્યારે વિશાલને પકડીને ઊભેલા શખ્સે પણ થોડી મારકૂટ કરી તેનું એક્ટિવા લઇ જતો રહ્યો હતો. લૂંટની ઘટના અંગે વિશાલે તેના કારખાનાના માલિક યોગેશભાઇને ફોનથી જાણ કરતા યોગેશભાઇ સ્થળ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરતા વિશાલનું એક્ટિવા મવડી ઓવર બ્રીજ નીચેથી રેઢું મળી આવ્યું હતું, જોકે ડેકીમાંથી રોકડા રૂ.5 લાખ ગાયબ હતા. CCTV ફૂટેજ ચેક કરતાં લૂંટારુઓ આજી ડેમ ચોકડી નજીક કેમેરામાં કેદ થયા હતા.લૂંટારા ડીકીમાંથી રોકડ કઢીને પોતાના સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં આજી ચોકડી તફર ભાગ્યા હતા. અને છેલ્લે આજી રીંગ રોડ પરના CCTVમાં કેદ થયા હતા.
દરમિયાન લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ અંગે એસઓજીના પીએસઆઈ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટબલ ઘનશ્યામસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે, આ લૂંટના ચારેય આરોપી ચૂનારાવાડમાં મુખ્ય આરોપીના ઘરમાં છુપાયા છે. જેથી પોલીસે દરોડા પાડીને આરોપી મહેન્દ્ર ઉર્ફે લાલો દિનુ ગીડા (ઉ.વ.20, રહે, ચૂનારાવાડ ચોક, રાજકેટ), ચિરાગ સંજય જાદવ (ઉ.વ.21, રહે વાવડી ગામ, મોરબી) અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરને ઝડપી લઈ લૂંટમાં ગયેલા રૂ.5 લાખ તેમજ લૂંટમાં ઉપયોગમાં લીધેલું સ્કૂટર કબજે કર્યું હતું. ચારેય આરોપીઓની પુછપરછ હાથ ધરતા જાણવા મળર્યું હતું કે, ગુનામાં ઝડપાયેલ એક સગીર આરોપી અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. તેમના સાથી આરોપી હજુ જેલમાં છે. તેમને છોડાવવા માટે રૂપિયાની જરૂર હોવાથી આ લૂંટ આચરી હતી.