ચૂંટણી 2022ટોપ ન્યૂઝધર્મનેશનલ

કુતુબ મિનાર વિવાદઃ જાણો, કોણે કહ્યું-“કોઈને પૂજા-પાઠની અનુમતિ નહીં”

Text To Speech

કુતુબ મિનાર વિવાદમાં સાકેત કોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. હિંદુ પક્ષ દ્વારા કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ માટે કરવામાં આવેલી અરજી પર ASIએ સાકેત કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. ASIએ જવાબમાં કહ્યું કે, કુતુબ મિનાર એક સ્મારક છે, જેમાં પૂજા-પાઠ કરવાની અનુમતિ આપી શકાય નહીં. ASIએ પોતાના જવાબમાં કહ્યું કે, હિંદુ પક્ષની અરજી કાયદાકીય રીતે માન્ય નથી. સાથે જ જૂના મંદિરને તોડીને કુતુબ મિનાર પરિસર બનાવવો ઐતિહાસિક તથ્યનો મામલો છે. કુતુબ મિનારમાં કોઈને પણ પૂજા કરવાનો અધિકાર નથી. વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે કુતુબ મિનારને સંરક્ષણમાં લેવામાં આવ્યો, ત્યારે તેમાં કોઈ પૂજા કરવામાં આવી નહોતી. એવામાં અહીં પૂજા કરવાની અનુમતિ આપી શકાય તેમ નથી. આ વાત પર હિંદુ પક્ષે અયોધ્યાના કેસનો હવાલો આપ્યો.

ફાઈલ તસવીર

દિલ્લીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર પરિસરની અંદર હિંદુ અને જૈન દેવી-દેવતાઓની બહાલી અને પૂજાનો અધિકારની માગને લઈ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કુતુબ મિનારમાં હિંદુ દેવી-દેવતાઓની કેટલીક મૂર્તિઓ છે. આ દાવા બાદ કોર્ટે આ મામલે ASIને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ, ASIએ કોર્ટમાં પોતાનું હલફનામું રજૂ કર્યું. જેમાં ASIએ સ્પષ્ટ રીતે હિંદુ પક્ષની કુતુબ મિનાર પરિસરમાં પૂજા કરવાની માગનો વિરોધ કરતા કહ્યું કે, આ એક સ્મારક છે અને અહીં કોઈ પણ વ્યક્તિને પૂજા-પાઠ કરવાની અનુમતિ આપી શકાય નહીં.

કુતુબ મિનારની સુનાવણી સમયે જજે હિંદુ પક્ષને સવાલ કર્યો હતો કે, શું તમે સ્મારકને પૂજા-પાઠનું સ્થળ બનાવવા માગો છો? હિંદુ પક્ષના વકીલે આ મામલે અયોધ્યા કેસનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે, દેવી-દેવતા હંમેશા રહે છે. વકીલે કહ્યું હતું કે, જે જમીન દેવી-દેવતાની હોય તે હંમેશા તેમની જ રહે છે. જ્યાં સુધી તેમનું વિસર્જન વિધિ-વિધાનથી ન કરવામાં આવે.

કુતુબ મિનારનો ઈતિહાસ
કુતુબ મિનાર દેશની મુખ્ય ઐતિહાસિક ઇમારતોમાંની એક છે. તે દક્ષિણ દિલ્લીના મહેરૌલી વિસ્તારમાં આવેલું છે. લગભગ 238 ફૂટની ઊંચાઈ ધરાવતો કુતુબ મિનાર ભારતનો સૌથી ઊંચો પથ્થરનો સ્તંભ છે. કુતુબ મિનાર તેની આસપાસ સ્થિત અન્ય ઘણા સ્મારકોથી ઘેરાયેલો છે અને આ સમગ્ર સંકુલને કુતુબ મિનાર સંકુલ કહેવામાં આવે છે. કુતુબ મિનાર 1199 અને 1220 ની વચ્ચે બાંધવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. કુતુબ મિનારનું બાંધકામ કુતુબુદ્દીન-ઐબક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેના અનુગામી ઇલ્તુત્મિશ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. કુતુબુદ્દીન એબક મુહમ્મદ ઘોરીનો પ્રિય ગુલામ અને સેનાપતિ હતો જેણે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા. ઐબકને દિલ્હી અને અજમેરનું શાસન સોંપીને ઘોરી પાછો ફર્યો હતો. 1206 માં ઘોરીના મૃત્યુ પછી, એબક સ્વતંત્ર શાસક બન્યો અને તેણે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી.

14મી અને 15મી સદીમાં કુતુબ મિનારને વીજળી અને ભૂકંપથી નુકસાન થયું હતું. અગાઉ તેના ઉપરના બે માળનું સમારકામ ફિરોઝશાહ તુગલકે કરાવ્યું હતું. 1505 માં, સિકંદર લોદીએ તેનું વ્યાપક સમારકામ કરાવ્યું અને તેના ઉપરના બે માળનું વિસ્તરણ કરવામાં આવ્યું. 1803માં ભૂકંપથી કુતુબ મિનારને ફરીથી નુકસાન થયું હતું. પછી 1814 માં, બ્રિટિશ-ભારતીય સૈન્યના મેજર રોબર્ટ સ્મિથે તેના અસરગ્રસ્ત ભાગોનું સમારકામ કર્યું.

Back to top button