પાલનપુર : બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, તંત્રએ જણાવ્યું સતર્ક રહો


- અનાજની બોરીઓ પલળી ના જાય તે જોવા માર્કેટયાર્ડને કરાઈ તાકીદ
પાલનપુર : આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં આવેલા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી અનાજની બોરીઓ પલળી ના જાય તે માટે તકેદારી રાખવા અને ખેડૂતોને પણ સચેત રહેવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પડી રહેલી ઠંડીના પ્રભાવ વચ્ચે હવામાન વિભાગે આગામી 28મી જાન્યુઆરી શનિવારના રોજ કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જેને લઈને જિલ્લાનું ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે. જો કમોસમી વરસાદ થાય તો જિલ્લાના માર્કેટયાર્ડઓમાં પડેલી ખેડૂતોની અનાજની બોરીઓ પલળી ન જાય તે માટે સાવચેતી રાખવા માટે માર્કેટયાર્ડના જવાબદારોને તાકીદ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે તકેદારીના પગલાં લેવા માટે જિલ્લા પુરવઠા અધિકારી, પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરને પણ કમોસમી વરસાદની આગાહી ને પગલે આગોતરી સૂચના જારી કરવામાં આવી છે.
આ પણ વાંચો : પાલનપુર : ત્રીપલ મર્ડર કરનારા ભાકડીયાલના આરોપીને ફાંસીની સજા