અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસમધ્ય ગુજરાત
ગુજરાતમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4 યોજાશેઃ સ્થળ, સમયની વિગતો જાણી લો

અમદાવાદ, 24 જાન્યુઆરી, 2025: ગુજરાતમાં “મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪” યોજવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ યોજાઈ ગયેલી ત્રણ સમિટની સફળતાને પગલે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ચોથી સમિટ માટેની આજે જાહેરાત કરવામાં આવી હતી.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા “મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૪” યોજાવા જઈ રહ્યો છે તે સંદર્ભમાં આજે અમદાવાદ સાયન્સ સિટી ખાતે સંસ્થાના મુખ્ય કન્વીનર ડૉ. યજ્ઞેશભાઈ દવે તેમજ સંસ્થાના અધ્યક્ષ ભરતભાઈ રાવલે પત્રકાર પરિષદને સંબોધી હતી.
ભરતભાઇ રાવલે સંબોધન કરતાં જણાવ્યુ કે, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાની સ્થાપના ૧૯૮૭માં થઈ અને ઓલ ઇન્ડિયા લેવલે રજીસ્ટ્રેશન વર્ષ ૨૦૧૭ માં કરવામાં આવ્યું. શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના સંલગ્ન અનેક સંસ્થાઓ જિલ્લા/ તાલુકા કક્ષાએ તેમજ વિવિધ જ્ઞાતિ મંડળના ગોળ દ્વારા અગાઉ સમૂહલગ્ન અને સમૂહ યજ્ઞોપવિત જેવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને સમાજના દરેક લોકોને તેનો લાભ મળતો હતો. પરંતુ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષાનું ઓલ ઈન્ડિયા લેવલે જ્યારે રજીસ્ટ્રેશન થયું ત્યારબાદ ટીમ દ્વારા એ વખતના મુખ્ય સંગઠક કમલેશભાઈ તેમજ સાથી કાર્યકર્તાઓ દ્વારા સમાજના ઉત્થાન માટે એક નવો મોડ આપવાનું કામ કર્યું હતું તે આજે પણ અવિસ્મરણીય છે. તમામ ઉદ્યોગકારો અને વ્યવસાયિકોને સમાજના માધ્યમથી કંઈક લાભ મળે અને સમાજના વિકાસની સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ અને સમાજના ઉત્થાન સાથે રાષ્ટ્રનું ઉત્થાન થાય તેવા અભિગમ સાથે સમાજના સેવાકીય કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.
પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી કે, સૌ પ્રથમ ૨૦૧૮માં મહાત્મા મંદિર ખાતે પ્રથમ બિઝનેસ સમિટ યોજાઈ હતી. ૨૦૨૧માં બીજી બિઝનેસ સમિટનું અડાલજ ત્રિમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉદ્યોગકારો અને વ્યવસાયિકો અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમની ગુજરાત સરકારે પણ નોધ લીધી હતી. કોરોના કાળમાં બિઝનેસ સમિટનું આયોજન કરવું શક્ય નહોતું માટે બ્રહ્મસમાજ દ્વારા ઝોન પ્રમાણે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી ઉત્તર ઝોનમાં મહેસાણા ખાતે, મધ્ય ઝોનમાં ગોધરા ખાતે તેમજ દક્ષિણ ઝોનમાં સુરત ખાતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં ૩ બિઝનેસ સમિટ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા યોજાયા છે અને આ સમિટ દ્વારા ૧૦ હજારથી વધારે બ્રાહ્મણ યુવક/યુવતીઓને રોજગારી મેળવવામાં મદદ મળી છે.
હવે આગામી તા.૧૫, ૧૬, ૧૭ માર્ચ ૨૦૨૫ ના રોજ ૪થી બિઝનેસ સમિટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સાયન્સસિટી ખાતે યોજાશે.
મીડિયાને સંબોધન કરતાં યજ્ઞેશ દવેએ જણાવ્યું કે, ૪થી બિઝનેસ સમિટ અમદાવાદનાં સાયન્સસિટી ખાતે સાયન્સ સિટી વિજ્ઞાનભવનના વિશાળ ડોમમાં આગામી ૧૫, ૧૬, ૧૭ માર્ચ ૨૦૨૫ના રોજ યોજાશે. તેમાં ૩૦૦ જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે. રોજગાર મેળાની માહિતી આપતા તેમણે વધુમાં જણાવ્યું કે, આ મેળામાં ૩૦૦ જેટલા ઉદ્યોગકારોના પોતાના સ્ટોલ હશે, સાથે સાથે બ્રાહ્મણ સિવાયના ઉદ્યોગકારોને પણ સ્થાન આપવામાં આવશે જેનો ઉદ્દેશ્ય બ્રહ્મસમાજના યુવાનોને રોજગારી આપવાનો હશે.
ડૉ. યજ્ઞેશ દવેએ માહિતી આપી કે જે પ્રમાણે અગાઉની ૩ બિઝનેસ સમિટનું ઉદ્દઘાટન સંતો અને મહંતો દ્વારા થયું હતું તે જ પ્રમાણે આ સમિટમાં પણ ગુજરાતના બ્રહ્મ સંતો અને મહંતો દ્વારા કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ દુનિયાનું સૌથી મોટું AI ડેટા સેન્ટર બનાવશે મુકેશ અંબાણી, વિશ્વની સૌથી મોટી કંપની સાથે કરશે પાર્ટનરશિપ
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD