TMC MLA નો બફાટ, અમને મત અપનારાઓના જ નામ મતદારયાદીમાં સમાવો


પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા બફાટની ઠેરઠેર નિંદા થઈ રહી છે. ધારાસભ્ય ખોકોન દાસે આપેલા નિવેદનના લીધે હોબાળો મચી ગયો છે અને આ મામલો આખરે મુખ્ય ચૂંટણી અધિકારી સુધી પહોંચ્યો છે જેના કારણે બંગાળનું રાજકારણ ગરમાયુ છે. આગામી દિવસોમાં અહીં નવા કડાકા ભડાકા થવાની સંભાવના સેવાઈ રહી છે.
શું કહ્યું હતું તૃણમૂલ કોંગ્રેસના એમએલએ ખોકોન દાસે ?
મળતી માહિતી મુજબ, ટીએમસી ધારાસભ્ય દાસે કહ્યું, બાંગ્લાદેશથી રાજ્યમાં ઘણા નવા લોકો આવી રહ્યા છે. આમાંથી ઘણા લોકો હિંદુ ભાવનાઓના આધારે ભાજપને મત આપે છે. મહેરબાની કરીને ખાતરી કરો કે જેઓ અમારી પાર્ટીનું સમર્થન કરે છે તેમને જ મતદાર યાદીમાં સ્થાન મળે. જેના કારણે રાજ્યભરમાં હોબાળો થયો હતો. આ નિવેદનનો ભાજપે જોરદાર વિરોધ કર્યો હતો.
ભાજપે નોંધાવી ફરિયાદ
તેવામાં હવે આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયુ છે. ભાજપે આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શિશિર બાજોરિયાએ ગુરુવારે કહ્યું કે તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ધારાસભ્ય ખોકોન દાસ વિરુદ્ધ પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. બાજોરિયાએ તેમની સામે એફઆઈઆર નોંધીને તપાસની માંગ કરી છે.