

ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ શકે છે. ભાજપના ગોવા પ્રદેશ અધ્યક્ષ સદાનંદ તનાવડેએ દાવો કર્યો કે કોંગ્રસના 8 ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે.
ગોવા ભાજપ પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે કોંગ્રેસ દેશભરમાં પોતાનો રકાસ અટકાવવાના પ્રયાસ રૂપે ભારત જોડો યાત્રા કાઢી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના નેતા દેશભરમાં 150 દિવસની 3570 કિમીની યાત્રા પર છે. આ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થશે.
ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્ય
40 વિધાનસભા સીટવાળા ગોવામાં આ વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં NDAના 25 ધારાસભ્ય છે, જ્યારે કોંગ્રેસના 11. પરંતુ ભાજપના પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો કે 11માંથી 8 ધારાસભ્ય તેમની પાર્ટીમાં સામેલ થશે.

જુલાઈમાં પણ આવી ચર્ચાએ જોર પકડ્યું હતું
ગોવામાં માર્ચમાં સરકાર બન્યા બાદ આ બીજી વખત છે જ્યારે આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ પહેલા જુલાઈમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોમાંથી 5 MLA પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા હતી. જો કે કોંગ્રેસે યોગ્ય સમયે સક્રિયતા દેખાડતા આ બળવો રોકી લીધો હતો. તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય દિગંબર કામત, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક અને દલીલા લોબો બળવો કરશે તેવી ચર્ચા હતી. જો કે કોંગ્રેસે માઈકલ લોબો પર પાર્ટી વિરોધ પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવી વિપક્ષના નેતા પદેથી હટાવી દીધા હતા.