અમદાવાદ : GSRTCમાં નોકરી આપવાના બહાને 45 લોકો સાથે લાખોની છેતરપિંડી


- સરકારી નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરવામાં આવી
- નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચન નામના વ્યક્તિએ છેતરપિંડી કરી
- પીડિતને GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યો
ગુજરાતમાં સરકારી નોકરી માટે લાખો યુવાનો લાઇનમાં હોય ત્યાં લેભાગુ તત્ત્વો દ્વારા લોકો સાથે છેતરપિંડી કરનારા લોકો સક્રિય થઈ જાય છે. આવા જ એક બનાવમાં પીડિત સતત 4 મહિનાથી પોલીસ સ્ટેશનથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ, હજુ સુધી તેની ફરિયાદ લેવામાં આવતી નથી.
સરકારી નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરવામાં આવી
એક ફરિયાદી કે જે ખુદ પીડિત છે તેને સરકારી નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરવામાં આવી છે. અમદાવાદમાં એક વ્યક્તિ સાથે બોરસદના રહેવાસી નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચન નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હતી. આ બંનેએ સરકારી નોકરીના નામે યુવાન પાસેથી 97,200 રૂપિયા પડાવી લીધા હતા. આ કૌભાંડ આચરનારાએ તમામ પૈસાનો વ્યવહાર ઓનલાઈન કરાવ્યો હતો. જેમાં પીડિતને GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો તેમજ અનેક યુવાનોને નકલી આઈકાર્ડ બનાવી આપી અંદાજિત 45 લોકો સાથે આ પ્રમાણે છેતરપિંડી કરાઈ હતી.
ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી આપી
પીડિતે આ છેતરપિંડી મામલે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા અરજી આપી હતી. આ અરજીના બે મહિના બાદ વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા પરંતુ ત્યાં પણ સામાન્ય અરજી લઈને આજ દિન સુધી કોઈ જગ્યાએ ગુનો નોંધવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, રમકડાંની આડમાં ડ્રગ્સનું રેકેટ ઝડપી પાડ્યું