

અમદાવાદઃ ગુજરાતમાં જુલાઇમાં સારો વરસાદ થયો છે. ત્યારે હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત ઓગસ્ટમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે તેવી શક્યતાઓ જણાવી છે.

હાલ ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસની આગાહી બાદ વરસાદે વિરામ લીધો છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાંછવાયા ઝાપટાં પડવાની વકી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
ગત વર્ષે 27 જુલાઈ સુધીમાં ગુજરાતમાં સરેરાશ માત્ર 11 ઈંચ વરસાદ થયો હતો. જે આ વર્ષે 23 ઈંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યના જળાશયોમાં 62.82% પાણીનો જથ્થો છે.

24 કલાકમાં 189 તાલુકાઓમાં મેઘમહેર
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં સાબરકાંઠાના ઈડરમાં 4 ઈંચ, પાટણના સરસ્વતિમાં સાડા ત્રણ ઈંચ, ભિલોડામાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, સતલાસણા, ક્વાંટ, પાટણ, વાઘરા, સિદ્ધપુર, ખંભાત, પ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુર, ચાણસ્મા, પાલનપુર, કાંકરેજ, હિંમતનગર દિયોદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય વડગામ, તારાપુર, ધાનેરા, અમરેલી, કલોલ, મહુધા અને અમિરગઢમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સિઝનનો 23 ઈંચ વરસાદ નોંધાયો
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં 21 ઈંચ સાથે 117 ટકા, ઉત્તર ગુજરાતમાં 15 ઈંચ સાથે 55.77 ટકા, મધ્ય ગુજરાતમાં 19 ઈંચ સાથે 60 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 61.32 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 47 ઈંચ સાથે 81.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યની વાત કરીએ તો સરેરાશ 23 ઈંચ સાથે 69.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
4 ઓગસ્ટ સુધી માત્ર ઝાપટાં પડવાની વકી
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, હવે 27 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.કેટલાંક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.9 ડિગ્રી નોંધાયું હતું. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના કેટલાંક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે.
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.