રાજકોટમાં પાંચ સ્થળોએ ACBનું ઓપરેશન, ફાયર અને ટાઉન પ્લાનિંગ ઓફિસરોના ઘરે દરોડા


રાજકોટ, 30 મે 2024 શહેરના TRP અગ્નિકાંડની ઘટનામાં જવાબદાર અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે ધમધમતા ‘ડેથઝોન’ બનેલા ગેમઝોન માર્ચ 2021થી ચાલતું હોવા છતાં તે દૂર કરવા માટે ટીપી શાખાએ કેમ કોઈ કાર્યવાહી ન કરી અને ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવવા કોણ આડું ઉતર્યું એ દિશામાં હવે તપાસ વેગવંતી બની છે. આજે ભાજપના સાંસદ રામ મોકરિયાએ રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાને 70 હજાર રૂપિયાની લાંચ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ હવે ACB એક્શનમાં આવી ગઈ છે.
રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર ACBના દરોડા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અધિકારી બી.જે. ઠેબા અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠિયાના ઘરે ACB દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બંનેના ઘરે ACBના અધિકારીઓએ દરોડા પાડ્યાં છે. એમ ડી સાગઠીયાને TPOના હોદ્દા પરથી કરાયા છે. રાજકોટમાં કુલ પાંચ જગ્યા ઉપર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પડ્યાં છે. હજી અનેક સ્થળો પર ACB ત્રાટકે તેવી શક્યતાઓ છે.
NOC માટે ફાયર ઓફિસરને રૂપિયા 70 હજાર આપ્યા
રામભાઈ મોકરિયાએ પત્રકારોને કહ્યું કે, મારો પ્લાન પાસ નહોતો થયો. સર્વે નંબર 105માં ભાજપ કાર્યાલય પાસે 27 હજાર વારમાં મેં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થયેલી છે. જેમાં રેસિડેન્સિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. પહેલાં એરપોર્ટનું NOC ન હતું પછી એમણે આપી દીધું. મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું? ફાયર શાખાના NOC માટે ફાયર ઓફિસર ઠેબાને રૂપિયા 70 હજાર આપ્યા હતા. ત્યારે હું સાંસદ ન હતો. કલેક્ટરમાં કોણ નથી લેતું? બધાનો ત્રાસ છે. 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે. 70 હજાર રૂપિયા શેના માટે આપ્યા? એ વિશે પૂછતા તેમણે કહ્યું કે, પ્લાન માટે જ આપવા પડે ને? આ લોકો NOC માટે બધા પાસેથી રૂપિયા લે છે. બિલ્ડર એસોસિયએશનને પૂછશો તો ખબર પડશે?
આ પણ વાંચોઃભાજપના સાંસદે ફાયર NOC માટે 70 હજારની લાંચ આપી, કોંગ્રેસે કહ્યું રામ મોકરિયાની ધરપકડ કરો