એજ્યુકેશનગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગધર્મવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજીહેલ્થ
વડાપ્રધાન મોદી પહોંચ્યા માદરે વતન, આ છે તેઓનો બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ માટે આજે માદરે વતન આવી પહોંચ્યા છે. તેઓ સંસ્કારી નગરી વડોદરા, યાત્રાધામ પાવાગઢ, રંગીલા રાજકોટને અનેક વિકાસ કામોની ભેટ આપવાના છે. ત્યારે આ બે દિવસના પ્રવાસમાં તેઓ કઈ કઈ ભેટ આપવાના છે તે અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે.

પાવાગઢમાં 137 કરોડના ખર્ચે સમગ્ર સંકુલનો થશે વિકાસ
પીએમ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને અનેક વિકાસ કામોની ભેટ આપવામાં આવનાર છે. ત્યારે તેઓ આવતીકાલે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પણ જવાના છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ થશે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે. કારણ કે, પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે.

125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકાર અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો
હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરના પહેલાના જૂના અને ઉબડખાબડ પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂપિયા 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂ. 125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

હેલિપેડથી લઇ માતાજીનાં મંદીર દ્વાર સુઘી પોલીસની કિલ્લેબંધી
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યાત્રાધામ પાવાગઢ ખાતેના કાર્યક્ર્મને લઈ પાવાગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પાવાગઢને જોડતા તમામ મૂખ્ય માર્ગ ઉપર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આવતીકાલે સવારે 9 કલાકે વડાપ્રધાન માતાજીનાં મંદિર પહોચી ધ્વજારોહણ કરશે જેના માટે હેલિપેડથી લઇ માતાજીનાં મંદીર દ્વાર સુઘી પોલીસની કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. જેમાં 1 IG, 1 DIG, 8 SP, 23 DYSP, 44 PI, 189 PSI સાથે 3 હજાર ઉપરાંત પોલીસ જવાન પડેપગે સુરક્ષા બદોબસ્તમાં તૈનાત કરાયા છે. જ્યારે કે સુરક્ષા કારણોસર 18 જૂન બપોર 3 વાગ્યા સુધી ભક્તો દર્શન નહી કરી શકે તેવી જાહેરાત પણ પાવાગઢ મંદીર ટ્રસ્ટ દ્રારા કરવામાં આવી છે.
વડોદરાના કુંઢેલા ગામમાં 743 કરોડના ખર્ચે નિર્માણ પામશે સેન્ટ્રલ યુનિ.નું નવું કેમ્પસ
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા આ નવા કેમ્પસના નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવનાર છે. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. રમાશંકર દુબેએ આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનું આ નવું કેમ્પસ સંપૂર્ણપણે રહેણાંક, ગ્રીન કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જ્યાં અઢી હજાર વિદ્યાર્થીઓ એકસાથે અભ્યાસ કરી શકશે. યુનિવર્સિટીના નવા કેમ્પસનો મુખ્ય દરવાજો ગુજરાત રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિના પ્રતિક સમાન છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2023માં પૂર્ણ થશે.
નવા કેમ્પસમાં એકસાથે 2500 વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકશે, આ વિષયોનો કરાવાશે અભ્યાસ
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રો. એચ. બી. પટેલે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના નવા કેમ્પસમાં 5 મુખ્ય શૈક્ષણિક બ્લોક્સ હશે, જેમાં સ્કૂલ ઓફ કેમિકલ સાયન્સ, લાઇફ સાયન્સ, નેનો સાયન્સ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એપ્લાઇડ મટિરિયલ્સ સાયન્સ, રાષ્ટ્રીય સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધ અને પ્રવાસી અધ્યયન જેવા વિશેષ વિષયોને આવરી લેવામાં આવશે. પ્રયોગ શાળાઓ અને તમામ લેક્ચર હોલ આંતરરાષ્ટ્રીય કક્ષાના અને આધુનિક સાધનોથી સજ્જ હશે. આ નવી યુનિ.માં એકસાથે 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.
વડાપ્રધાન 660.26 કરોડ રૂપિયાના ખર્ચે પાણી વિતરણ પ્રોજેક્ટ પણ લોકોને સમર્પિત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટને ખુલ્લા મુકવાના છે. આ દિવસે, પીએમ રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે.
નવી યોજનાનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે
આ જળ વિતરણ પ્રોજેક્ટ્સમાં 6 Sewage Treatment Plant(STPs) ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે. ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં 796 MLD પાણીનો ઉપયોગ STPs દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર તરીકે થાય છે. સાથે જ, 159 MLDની ક્ષમતાવાળા એસટીપી સ્થાપવાનું કામ હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને ભવિષ્યમાં પણ વધારાના 860 MLD પાણીને STPs દ્વારા શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં 3790 આવાસોનું કાલે વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
પીએમના ગુજરાત પ્રવાસ અંતર્ગત તેઓ રાજકોટને પણ ભેટ આપવાના છે. જેમાં મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.18ને શનિવારના રોજ સવારે 11:15 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે 3790 આવાસોનો ડ્રો, આવાસોના નંબર ફાળવણી માટેનો ડ્રો તથા બી.એલ.સી. હેઠળના આવાસોનો ગૃહ પ્રવેશ અંગેનો મુખ્ય સ્ટેજ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાવાનો છે.