દુશ્મન બન્યા દોસ્ત ! ચૂંટણી આવતા જ બાવળીયા – ફતેપુરા એક મંચે આવ્યા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે દરેક સમાજ હવે પોતાનું પ્રભુત્વ જાળવવા માટે એક થઈ રહ્યા છે. તેવામાં બુધવારે રાજકોટમાં ખાનગી હોટેલમાં એક જ સમાજના બે દુશ્મન દોસ્ત બની એક જ મંચ ઉપર આવીને બેઠા છે. અહીં વાત કોળી સમાજની થઈ રહીં છે. રાજ્યસરકારના પૂર્વ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા અને પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરાની થઈ રહી છે. અત્યારસુધી કોળી સમાજના આ બંને નેતાઓ એકબીજાને આક્ષેપ – પ્રતિઆક્ષેપ કરી આબરૂની ધૂળ ધાણી કરવા ઉપર તકની રાહ જોઈને બેઠા હોય છે. આ બંને આગેવાનોની દરાર વચ્ચે રાજકોટની એક ખાનગી હોટલમાં અખિલ ભારતીય કોળી સમાજની ચિંતન શિબિરમાં આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં બાવળીયા અને ફતેપુરા હાજર રહ્યા હતા. ચોંકાવનારી વાત એ હતી કે બંને એક જ મંચ ઉપર બાજુ બાજુમાં બેઠા હતા. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યાં સમાજને ગુજરાત સરકારમાં નેતૃત્વ મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ મળે તેવી માગણી કરવામાં આવશે તેવો સૂર ઉઠ્યો હતો.