

IPL 2022 ક્લોઝિંગ સેરેમની આવતીકાલે એટલે કે રવિવારે ફાઇનલ મેચ પહેલાં યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્લોઝિંગ સેરેમનીમાં એનેક સેલિબ્રેટી પોતાના અવાજથી દર્શકોના દિલ જીતશે. જેમાં મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર અને ક્રૂ ડાન્સર રંગારંગ કાર્યક્રમમાં ભાગ લેશે અને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડી દેશે. આ કાર્યક્રમની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી થશે અને 7.30 વાગ્યે બંને ટીમ (GT vs RR) વચ્ચે ટોસ થશે. આની સાથે જ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ક્લોઝિંગ સેરેમની દરમિયાન ભારતીય ક્રિકેટની સફર પણ દર્શાવવામાં આવશે, જેમાં ઈન્ડિયન ક્રિકેટની અત્યાર સુધીની સફર કેવી રહી અને ટીમે જે જે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એના પર પણ એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાર પછી આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવશે. એવામાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે જ્યારે ક્રિકેટ મેચ દરમિયાન ભારતીય ટેલિવિઝન પર કોઈ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આમીર ખાન સ્ટેડિયમમાં હાજરી નહીં આપે એ લાઈવ મેચના શોમાં ભાગ લઈ શકે છે.