

દેશભરમાં ખૂબ જ જાણીતી કેબ સર્વિસ ઓલા અને ઉબરના મર્જની વાતોને નકારી કાઢવામાં આવી છે અને અહીંથી આ અટકળોનો અંત આણી દેવામાં આવ્યો છે. કેબ એગ્રિગેટર ઓલા અને ઉબર આગામી ટૂંક સમયમાં મર્જરની જાહેરાત કરશે તેવી અટકળો અંગે હવે ખુદ ઓલાના વડા ભાવિશ અગ્રવાલે ફોડ પાડ્યો છે.
અગ્રવાલે આ અહેવાલો અંગે એક પોસ્ટમાં લખ્યું કે ‘એકદમ બકવાસ’.
ઉબર ભારતમાંથી બહાર નીકળવા માંગતું હોય તો સ્વાગત છે
વધુમાં આ અંગે ઓલાના સીઈઓ અગ્રવાલે ઉમેર્યું કે અમે નફાની રાહે આગળ વધી રહ્યાં છીએ અને સારી રીતે વૃદ્ધિ પામીએ છીએ. જો ક્ષેત્રની કેટલીક અન્ય કંપનીઓ ભારતમાંથી તેમનો કારોબાર સમેટીને બહાર નીકળવા માંગતી હોય તો તેમનું સ્વાગત છે ! અમે ક્યારેય મર્જર માટે નહિ જઈએ. મીડિયા અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ભારતીય કેબ એગ્રીગેટર્સ ઓલા અને ઉબર ટેક્નોલોજીસ સંભવિત મર્જર પર વિચાર કરી રહી છે.
ઉબરે પણ ઓલા સાથે મર્જની વાતો નકારી, અહેવાલોને ગણાવ્યા ખોટા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓલાના ચીફ એક્ઝિક્યુટિવ અગ્રવાલ યુએસમાં ઉબરના ટોચના અધિકારીઓને મળ્યા હતા. ઉબરે એક નિવેદનમાં કહ્યું, ‘આ અહેવાલ ખોટો છે. અમે ઓલા સાથે મર્જર માટે વાતચીત કરી રહ્યા નથી. સામે પક્ષે ઓલાએ કહ્યું કે તેઓ મજબૂત બેલેન્સ શીટ સાથે વિશ્વની સૌથી નફાકારક રાઈડ હેલિંગ કંપનીઓમાંની એક છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું, “અમે ભારતમાં માર્કેટ લીડર છીએ અને અન્ય ખેલાડીઓ કરતા ઘણા મોટા છીએ. તેથી કોઈપણ પ્રકારના મર્જરની વાતો સમીકરણ બહારની છે.
ભારત પાસે અનલૉકિંગની અનેરી તકો
વધુમાં ઉબરે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે જ્યારે મોબિલિટી સેવાઓની વાત આવે છે ત્યારે ભારત પાસે અનલૉકિંગની અનેરી તકો છે. બંને કંપનીઓ અત્યંત સ્પર્ધાત્મક ભારતીય બજારમાં એકબીજાને આગળ વધારવા માટે સ્પર્ધા કરી રહી છે અને મુસાફરોને પ્રોત્સાહનો અને ડિસ્કાઉન્ટમાં અબજો ખર્ચ્યા છે.