અમે નહીં સુધરીએ! ટ્રેન પાકિસ્તાનમાં હાઈજેક થઈ ને નામ લીધું ભારતનું


લાહોર, તા. 12 માર્ચ, 2025: મંગળવારે દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી હતી. આ ઘટનાને 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે. 200થી વધુ મુસાફરો હજુ પણ આતંકવાદીઓના કબજામાં છે. પાકિસ્તાની સેના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. એવામાં પાકિસ્તાનના એક વરિષ્ઠ અધિકારી એ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ટ્રેન હાઇજેકિંગ પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો કે આ હુમલા પાછળ ભારતનો હાથ છે. એક ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું, ભારત આ હુમલાનું હેન્ડલિંગ અફઘાનિસ્તાનની અંદરથી કરી રહ્યું છે. ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. બલૂચ બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે.
રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું, અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. પાકિસ્તાનના દુશ્મનો સક્રિય છે, હવે તેના વિશે કોઈ બેમત ન હોઈ શકે. આ કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એજન્ડાનો ભાગ નથી, પરંતુ એક ષડયંત્ર છે. ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.
રાણા સનાઉલ્લાહે દાવો કર્યો કે અફઘાનિસ્તાનમાં BLAના આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે, જેના કારણે પાકિસ્તાનમાં હુમલાઓ વધી રહ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યું એ પહેલા આતંકવાદીઓને એટલી છૂટ ન હતી મળતી, પરંતુ હવે તેઓ ખુલ્લેઆમ ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.અફઘાનિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, અમે અફઘાન સરકારને સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી કરશે અને BLAના આશ્રયસ્થાનોને નિશાન બનાવશે.
આ પણ વાંચોઃ વાહ શું વાત છે, દેશમાં મોંઘવારી દર ઘટ્યો ને ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું