

સુપ્રીમ કોર્ટે પયગંબર પરની ટિપ્પણી મામલે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને સમગ્ર દેશની માફી માંગવા માટે કહ્યું છે. આ સાથે કોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજી પણ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે તેને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે નૂપુર શર્મા દ્વારા પેગંબર વિશે કરેલી ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી હતી. નુપુરની ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમની ટિપ્પણીથી દેશભરના લોકોની ભાવનાઓ ભડકી છે. આજે દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે તે જ જવાબદાર છે.
નુપુર શર્માના નિવેદને આખા દેશમાં આગ લગાવી દીધી
કોર્ટે કહ્યું કે અમે ડિબેટ જોઈ છે, તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે પછી તેણે જે કહ્યું તે વધુ શરમજનક છે. નુપુર શર્માના નિવેદન આખા દેશમાં આગ લગાવી દીધી છે. ઉદયપુરમાં બનેલી કમનસીબ ઘટના માટે તે જવાબદાર છે. જ્યારે વકીલે તેની માફી અને પયંગબર પર કરેલી ટિપ્પણીને વિનમ્રતા સાથે પછી લેવાની વાત કરી તો બેન્ચે કહ્યું કે હવે ખુબ મોડું થઇ ગયું છે. SCએ કહ્યું કે તેમની ફરિયાદ પર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ઘણી એફઆઈઆર હોવા છતાં, દિલ્હી પોલીસે હજી સુધી તેમને પકડ્યા નથી .
ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા
જણાવી દઈએ કે નુપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચુકી છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પેગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આનો ભારે વિરોધ થયો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી.આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ પણ નોંધાયેલા છે. તે જ સમયે, નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તમામ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું છે.