

ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના દુરુપયોગનાં અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. પરંતુ રાજકોટના ઉપલેટામાં ટેકનોલોજીનાં સદુપયોગનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુગલના કારણે છત્તીસગઢનાં માનસિક અસ્થિર વ્યક્તિનું 18 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થયું હતું. વર્ષો બાદ પરિવારને તેમનો ખોવાયેલ વ્યક્તિ પરત મળતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
શું છે સમગ્ર ઘટના ?
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો રાજકોટના ઉપલેટામાં આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે સીયારામ હોટેલ આવેલી છે. જ્યાં વર્ષોથી ભિક્ષુકો, સાધુ અને ફકીરોને વિનામૂલ્યે પેટભર જમાડવામાં આવે છે. અને માનવતા જીવે છે એ સુત્રને સાર્થક કરવામાં આવે છે. ત્યારે 11 વર્ષ પહેલા એક ભિક્ષુક તેમજ માનસિક અસ્થિર જેવો લાગતો એક વ્યક્તિ આ હોટેલમાં આવી પહોંચ્યો હતો. જેને લઈ હોટલના માલિક પ્રવીણભાઈએ તેને બોલાવી જમાડ્યો હતો. બાદમાં આ વ્યક્તિ માનસિક અસ્થિર હોવાનું લાગતા તેમણે તેના વાળ-દાઢી કરાવીને કપડાંની પણ વ્યવસ્થા કરી આપી હતી. એટલુ જ નહીં તેના પોતાને ત્યા રહેવા અને જમવાની કાયમી વ્યસ્થા કરી આપી હતી. જોકે હોટલમાં આવેલ આ વ્યક્તિનું નામ કોઈને ખબર નહીં હોવાથી સૌ કોઈ તેને રાજુ તરીકે જ બોલાવવા લાગ્યા હતા. રાજુ પોતાની માનસિક સ્થિતિને કારણે ગુસ્સો કરતો ત્યારે માલિક સહિતનાં સૌ તેને સમજાવી શાંત પાડતા હતા. આમ કરતા રાજુનાં 11 વર્ષ અહીં વીતી ગયા હતા. દરમિયાન સૌ કોઈ સમયાંતરે તેમના નામ અને પરિવાર વિષે પૂછતાં હતા. પરંતુ આ વ્યક્તિ પોતે જણાવી શકે તેમ ન હોવાથી હોટલના જ અન્ય એક પાર્ટનરે નાના બાળકની જેમાં સમજાવી અને ધીમે-ધીમે તેની પાસેથી માહિતીઓ મેળવી હતી. જેમાં આ રાજુ છત્તીસગઢનાં બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામનો હોવાનું સામે આવ્યું હતું. જોકે જયારે પણ સમયાંતરે રાજુને પૂછવામાં આવતું ત્યારે તે અમુક ગામના નામ બોલતો હતો. જેમાં ભાથાપરા, ધનિયા, સિપત સહિત લુથરાશરીફ સામેલ હતાં. ગુગલનાં માધ્યમથી જાણવા મળ્યું હતું કે, લુથરાશરીફ ગામે એક મેળો ભરાય છે. અને રાજુએ પણ ગામનાં નામ સાથે મેળાનો ઉલ્લેખ કર્યો હોવાથી આ વિસ્તારનો જ હોવાનો અંદાજ લગાવાયો હતો.
સાહુ નામના વ્યાપારીઓનો સંપર્ક સાધવા પ્રયત્ન કરાયો અને પરિવારનો પત્તો લાગ્યો
વધુ પૂછતાછ થતા રાજુએ પોતાનું નામ સુર્યકુમાર સાહુ કહ્યું હતું. જો કે આ તેનું સાચું નામ નહીં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ ગામનાં તેમજ સાહુ નામના વ્યાપારીઓનો સંપર્ક સાધવા પ્રયત્ન કરાયો હતો. જેમાં ગૂગલ મેપની ઊંડાણપૂર્વક તપાસ કરતા કુકદા ગામની એક મોબાઈલ ફોનની દુકાનના વ્યક્તિનો સંપર્ક થયો હતો. મોબાઈલની દુકાનના માલિકનો સંપર્ક થયા બાદ તેમણે દુકાન બંધ કરી દીધેલ હોવાનું સામે આવ્યું હતું. જોકે તેઓએ મળાઈ ગામના સ્થાનિક વ્યક્તિનો સંપર્ક સાધી આપ્યો હતો. જે બાદ રાજુ તરીકે ઓળખાતા વ્યક્તિના ફોટાઓ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલાયા હતા. જેમાં રાજુ મળાઈ ગામનો જ હોવાનું ખુલ્યા બાદ તેના પરીવાર સાથે વિડીઓ કોલ દ્વારા વાત કરવામાં આવી હતી. અને પરિવારે તેનું ઓળખકાર્ડ મોકલતા જ રાજુનું સાચું નામ સનત કુમાર સાહુ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેના પરીવાર પાસેથી રાજુ માનસિક અસ્થિર મગજનો હોવાનું તેમજ ઘરેથી અંદાજીત અઢાર વર્ષ પહેલા ભૂલો પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે 18 વર્ષ બાદ ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ ખાતેથી તેમના મળ્યા બાદ પરિવારના સદસ્યો તેને લેવા માટે તુરંત આવી પહોંચ્યા હતા. આ તકે 18 વર્ષ બાદ સનતકુમાર ઉર્ફે રાજુનું પરિવાર સાથેના મિલન થતા હોટલ માલિક અને સ્ટાફ સહિત તેના પરિવારના સદસ્યો પણ ભાવુક થયા હતા