રાજ્યમાં મંગળવારની અમંગળ શરૂઆત, ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતમાં 6નાં મૃત્યુ


ભાવનગર, તા. 17 ડિસેમ્બર, 2024: રાજ્યમાં મંગળવારની અમંગળ શરૂઆત થઈ છે. શિયાળાની સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પતરા કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
રવિવારે વલભીપુરના રામપર ગામ નજીક પેટ્રોલપંપ પાસે ભયસુચક સાઈનબોર્ડ કે રિફ્લેક્ટર લગાવ્યા વિના પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકનો અકસ્માત સર્જાતા બાઈક ચાલક ઉમરાળાના વૃદ્ધનુ મોત નિપજ્યું હતી. જ્યારે બાઈકમાં સવાર વૃદ્ધના પત્નિ અને પૌત્રને સામાન્ય ઈજા પહોંચી હતી. બનાવ અંગે વલભીપુર પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. ઉમરાળા ખાતે રહેતા વાલજીભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.62) રવિવારે સાંજના સમયે વલભીપુરના ઈટાળીયા ગામેથી ઉમરાળા તેમના ઘરે બાઈક પર તેમના પત્નિ અને પૌત્ર સાથે આવી રહ્યાં હતા ત્યારે રામપર ગામ નજીક પેટ્રોલપંપ નજીક રોડ વચ્ચે રેતી ભરેલું એક ડમ્પર પડેલું હતું. જેની સાથે તેમનું બાઈક અથડાઈ જતાં વાલજીભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેમના પત્નિ અને પૌત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે બાદ વાલજીભાઈને ઈમર્જન્સી 108માં સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા.
આ પણ વાંચોઃ અંબાણી-અદાણીને તગડો ઝટકો! 100 અબજ ડૉલરની ક્લબમાંથી થયા બહાર
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S