હજીરા-ઘોઘા રો-રો ફેરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં 6.49 લાખ લોકોએ મુસાફરી કરી

સુરત: હજીરાથી ભાવનગરના ઘોઘાને દરિયાઈ માર્ગથી જોડતી રો-રો ફેરી સર્વિસે સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરો અને માલસામાનની અવરજવર ખૂબ સરળ અને સુગમ બનાવી છે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જિલ્લાઓ આર્થિક રીતે મજબૂતાઈ મળી છે, અને વ્યવસાય-રોજગારીની નવી તકો ઉભી થઈ છે. રો-રોને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બન્યું છે, પરિણામે પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળ્યો છે. મુસાફરો સહિત સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોંચી રહ્યો છે. આ ફેરી સેવાથી સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર ઘટ્યું છે, અને વેપાર, વ્યવહાર અને સંબંધ વધ્યા છે.
ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૯૦ કિમી
વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલી ઉપસ્થિત રહીને 8 નવેમ્બર 2020 ના રોજ સુરતના હજીરા પોર્ટથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-રો અને રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જેને ગત 9મી નવેમ્બરના રોજ ત્રણ વર્ષ પુર્ણ થયા છે. આ સફળતાપૂર્વક ચાલતી રો-રો સેવા દરરોજ બે રાઉન્ડ ટ્રીપ કરે છે અને દરરોજ અંદાજે ૨૦૦૦ મુસાફરો, ૨૮૦ પેસેન્જર વાહનો, ૨૦૦ ટુ-વ્હીલર અને ૧૮૦ ટ્રકની હેરફેર કરે છે. છેલ્લા ૩ વર્ષમાં, નવેમ્બર-૨૦૨૦ થી શરૂ કરીને હજીરા-ઘોઘા રોરો ફેરી સર્વિસ દ્વારા કુલ ૬,૪૯,૧૬૫ મુસાફરો, ૯૩,૯૮૫ કાર, ૫૦,૨૨૯ દ્વિચક્રી વાહનો અને ૭૨,૮૩૩ ભારે માલવાહક વાહનોની હેરફેર કરવામાં આવી છે.
સુરતથી સૌરાષ્ટ્રનુ અંતર ઘટ્યું
ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૯૦ કિમી છે જે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર ૯૦ કિમી થઈ ગયું છે. સુરતથી ભાવનગર અગાઉ ટપાલ પહોંચવામાં ૩૨ કલાકનો સમય લાગતો હતો તે હવે આ સેવા થકી માત્ર ૭ કલાક થઈ ગયો છે. સુરતમાં સ્થાયી થયેલા અને મૂળ સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઢાંગલા ગામના વતની મનીષભાઈ આહિરે જણાવ્યું કે, હું ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલો છું.રો-રો ફેરી શરૂ થતા દિવાળીના તહેવારો કે લગ્નપ્રસંગે ગામડે જવું હવે ખૂબ સરળ બન્યું છે. પહેલા જવા માટે બસમાં ૧૦ થી ૧૨ કલાકનો સમય લાગતો, જે હવે ચાર થી પાંચ કલાકમાં કોઈ પણ ટ્રાફિક વિના, ઝડપથી પોતાના વાહન સાથે સેફ્ટી સાથે પહોંચી શકીએ છીએ.શીપમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા ડો.નમ્રતા બાબુભાઈ વિરડીયા જણાવે છે કે, બોટાદ જિલ્લાનું સાળંગપુર તીર્થધામ અમારી આસ્થાનું કેન્દ્ર છે. ફેરી શરૂ થવાથી સાળંગપુર દર્શને જવાનું ખૂબ સરળ બન્યું છે, દર્શન કરીને સાંજે પરત પણ આવી શકાય છે.
મુસાફરો માટે સુવિધાજનક સફરના વિકલ્પો
રો-રો વેસેલ ‘વોયેજ સિમ્ફની’માં ઈકોનોમી, સ્લીપર, એક્ઝીક્યુટીવ, બિઝનેસ ક્લાસ, કેમ્બે લોન્જ અને કેબિન ક્લાસ એમ વિવિધ વિવિધ કેટેગરીમાં સુવિધાજનક સફરના વિકલ્પો છે. ટ્રક ડ્રાઈવરો માટે પણ અલાયદી સુવિધા ઉભી કરાઈ છે, અને તેઓને ચા-નાસ્તો અને એક ટાઈમ ભોજન પણ નિ:શુલ્ક પૂરૂ પાડવામાં આવે છે. કેમ્બે લોન્જમાં ૧૪ વ્યક્તિ, બિઝનેસ ક્લાસમાં ૭૮, એક્ઝીક્યુટીવમાં ૩૧૬ વ્યક્તિ અને ઈકોનોમી ક્લાસમાં ૯૨ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે.