વર્લ્ડ

અમેરિકામાં ફાયરિંગથી ફફડાટ, 6 વર્ષના બાળકે લેડી ટીચરને મારી ગોળી

Text To Speech

અમેરિકાના વર્જિનિયામાં એક પ્રાઈમરી સ્કૂલમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક શિક્ષિકા ઘાયલ થયા હતા. ઘાયલ શિક્ષિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જોકે પોલીસે હજુ સુધી આ મામલે વિસ્તૃત માહિતી આપી નથી, પરંતુ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના વર્જિનિયાના ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરની પ્રાથમિક શાળામાં બની હતી. આ ફાયરિંગમાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ નથી.

વર્જીનિયાના મેયર ફિલિપ જોન્સે મીડિયાને જણાવ્યું કે પોલીસે આ મામલામાં એક વિદ્યાર્થીની અટકાયત કરી છે. જોકે અધિકારીઓએ આ વિદ્યાર્થીની ઉંમર કેટલી છે તે જણાવ્યું નથી, પરંતુ રિપોર્ટ્સ મુજબ, તે વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ જણાવવામાં આવી રહી છે. ન્યૂપોર્ટ પોલીસ ચીફ સ્ટીવ ડ્રૂનું કહેવું છે કે અમને ફાયરિંગને લઈ બપોરે 2 વાગ્યે કોલ પર માહિતી મળી હતી. માહિતી મળતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ હજુ સુધી શંકાસ્પદ વિશે માહિતી આપી રહી નથી

પોલીસે જણાવ્યું હતું કે શાળા અને પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને પરિવારોને ફરીથી જોડવા માટે કામ કરી રહ્યા છે અને વધુ તપાસ પછી વધુ માહિતી આપવામાં આવશે. હાલ પોલીસ શકમંદ વિશે કોઈ માહિતી આપી શકતી નથી. ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરમાં જ્યાં આ ફાયરિંગની ઘટના બની છે, તેની વસ્તી 1 લાખ 85 હજારથી વધુ છે. આ શહેર ચેસપીક અને વર્જિનિયા બીચથી લગભગ 40 માઇલ દૂર છે. આ શહેર યુએસ નેવી માટે શિપબિલ્ડીંગ માટે પણ જાણીતું છે.

Richneck Elementary School
Richneck Elementary School

ગોળીબારની ઘટનાઓ વધી રહી છે

અમેરિકામાં ગોળીબારની ઘટના કોઈ નવી વાત નથી. અહીં આવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે એટલે કે 2022માં આવા ફાયરિંગમાં સેંકડો લોકોના મોત થયા છે. ફાયરિંગની આ ઘટનાઓ હોસ્પિટલ, પબ, મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળો પર બની છે. અમેરિકા માટે આ એટલી મોટી સમસ્યા છે કે તેના વિશે ખુદ રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે દેશમાં હથિયારોને લઈને કડક નિર્ણય લેવાની જરૂર છે.

Back to top button