બનાસકાંઠાના ચાર મામલતદાર નિવૃત્ત થતા કલેક્ટર દ્વારા સન્માન કરાયું


બનાસકાંઠા જિલ્લામાં કલેકટર કચેરી તેમજ અલગ- અલગ કચેરીઓમાં ફરજ બજાવતા ચાર નાયબ મામલતદારને સરકારે નિવૃત્તિના છેલ્લા દિવસે બઢતી આપીને મામલતદાર તરીકે પ્રમોશન આપ્યું હતું. આમ છેલ્લા દિવસે તેઓ મામલતદાર તરીકે નિવૃત્ત પણ થયા હતા. જેમનો નિવૃત્તિનો વિદાય સમારોહ પાલનપુરની કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો. જેમાં જીવણભાઈ પરમાર, હરેશભાઈ પ્રજાપતિ, એ. સી. સુથાર અને આઈ. એમ. પટેલનું બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે શાલ ઓઢાડી અને શુકનમાં શ્રીફળ અને સાકર આપીને તેમનું સન્માન કર્યું હતું.
ચાર મામલતદાર નિવૃત્ત થતા કલેક્ટર દ્વારા સન્માન કરાયું
જ્યારે નિવૃત્તિ બાદ શેષ જીવન આરોગ્યમય પસાર થાય તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે પણ નાયબ કલેકટર ડીસાના વરદ હસ્તે જીવણભાઈ પરમારનું સન્માન કરાયું હતું. જ્યારે તેમની સોસાયટીના રહીશોએ પણ જીવણભાઈનું વિશેષ બહુમાન કર્યું હતું. પાલનપુર માં યોજાયેલા નિવૃત્તિ સમારોહમાં અધિક નિવાસી કલેકટર એ. ટી. પટેલ, નાયબ કલેકટર,પાલનપુર., નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર એફ. એ. બાબી અને મહેસુલી મંડળ વર્ગ-3 ના પ્રમુખ કિશનભાઇ ચૌધરી તેમજ કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.