કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ : કેશોદ પાસે યુવતી અને પરિણીત પ્રેમીનો સજોડે આપઘાત

  • ગઢડા તાલુકાના પીપળીયા ગામનાં પ્રેમીપંખીડાએ ખાઈ લીધો ફાંસો
  • મૃતક હિતેશ ધરોળિયા અને કરુણા ધરોળિયા કૌટુંબિક ભાઈ-બહેન થતા હતા
  • યુવક પરિણીત હોય પરિવારજનો એક થવા નહીં દે ડરથી પગલું ભર્યુ

જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક પ્રેમીઓએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક યુવક અને યુવતી કૌટુંબિક ભાઈ બહેન હોવાનું તથા યુવાન પરિણીત હોય પરિવારજનો એક થવા નહિ દે તેવા ડરથી આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.

યુવક યુવતી બન્ને સાથે હિરા ઘસવાનું કામ કરતાં

મળતી વિગતો મુજબ કેશોદ નજીક સોદરડા અને કેવદ્રા વચ્ચે પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાયપાસ રોડ નજીક ગાંડા બાવળની ઝાડી વિસ્તારમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામનાં યુવક યુવતી એ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામનાં યુવક યુવતી બન્ને સાથે હિરા ઘસવાનું કામ કરતાં હતાં યુવક ઘરેથી ટીફીન લઈને નીકળ્યાં બાદ પરત ઘરે ન આવતાં પરિવારજનો એ સ્થાનિક પોલીસ ને જાણ કરી હતી.

પોલીસ અને પરિજનોએ શોધખોળ કરી હતી

દરમિયાન પોલીસ તપાસમાં કેશોદ આસપાસના વિસ્તારમાં મોબાઈલ લોકેશન દર્શાવતું હોય પરિવારજનો ખાનગી વાહન દ્વારા પહોંચી શોધખોળ કરી રહ્યાં હતાં. તેવામાં કેશોદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં પોલીસ સોદરડા કેવદ્રા વચ્ચે પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાયપાસ પાસે પહોંચી હતી ત્યારે રોડ નજીક મોટરસાયકલ મળી આવી હતી અને અંદર ઝાડી વિસ્તારમાં બાવળની ડાળ સાથે દોરડું બાંધીને બન્ને લટકતાં મૃત હાલતમાં મળી આવ્યા હતાં.

પોલીસે હાથધરી વધુ તપાસ

કેશોદ પોલીસ દ્વારા યુવકનાં ખિસ્સામાં રહેલો મોબાઈલ ફોન દ્વારા પરિવારજનોનો સંપર્ક કરતાં તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ ઓળખ આપી હતી જેમાં મૃતક યુવાન હિતેશભાઈ સચીનભાઈ ધરોળિયા અને મૃતક યુવતી કરુણાબેન મનોજભાઈ ધરોળીયા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક અને યુવતી બન્ને કૌટુંબિક થતાં હોય અને યુવક પરણિત હોય એકબીજાને પ્રેમ હોવાછતાં એક થઈ શકે એમ ન હોવાથી મોતને વ્હાલું કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બન્ને યુવક યુવતીનાં મૃતદેહ કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ હતાં.

Back to top button