ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલસ્પોર્ટસ

રાજકોટમાં T-20 મેચ દરમિયાન જામનગરથી આવતા વાહનોને જુઓ ક્યાંથી કરાશે ડાયવર્ટ..

Text To Speech
રાજકોટમાં તા. 17 જૂનનાં રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં ખંઢેરી સ્ટેડીયમ ખાતે T-20 મેચ રમાનાર છે. જેમાં આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર હોય રાજકોટ-જામનગર હાઇવે પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઠકકરે એક જાહેરનામુ બહાર પાડી તા.17 અને 18નાં રોજ જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને ડાયવર્ટ કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
પડધરીના મોવિયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ રાજકોટમાં પ્રવેશ મળશે
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. 17નાં રોજ જામનગર તરફથી આવતા મોટા વાહનો જેમ કે ટ્રક, ટેન્કર , ટ્રેલર વગેરે વાહનોએ પડધરી, મોવેયા સર્કલથી ડાયવર્ઝન આપી ટંકારા થઈ અથવા પડધરી, નેકનામ, મિતાણા થઈને રાજકોટ તરફ આવવાનું રહેશે.
ક્યાં સુધી લાગુ રહેશે જાહેરનામું ? કોને આપવામાં આવી છૂટ
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામાનો અમલ 17 તારીખના સાંજ ના 4 વાગ્યાથી 18 તારીખના રાત્રિના 1 વાગ્યા સુધી થશે અને ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. ઉપરાંત ક્રિકેટ મેચમાં કામ માટે જે ફરજ સોંપેલ હશે તેવા વાહનો, એસટી બસ, સરકારી વાહનો, સબ વાહિની, એબ્યુલન્સ તથા ફાયર ફાઇટર જેવા. વાહનો તેમજ જે લોકો પાસે ક્રિકેટ બોર્ડની ટીકીટ ખરીદીને કે પાસનાં આધારે ક્રિકેટ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડીયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડીયમની આસપાસનાં ગામોમાં રહેતા હોય અને તેનો આધારભૂત પુરાવો રજુ કરે તેવા વાહન ચાલકોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે.
મેચ માટે ગોઠવાયો લોખંડી બંદોબસ્ત : ખુદ એસપી રહેશે તૈનાત
ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને આફ્રિકા વચ્ચે રમાનાર T-20 મેચ માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ખુદ એસપી તૈનાત રહેવાના છે. ઉપરાંત 5 DYSP, 10 PI, 40 PSI, 232 પોલીસકર્મી, 46 ટ્રાફિક પોલીસ, 64 મહિલા પોલીસ અને 2 બોમ્બ સ્ક્વોડ ટીમ ફરજ બજાવશે. આ ઉપરાંત 2 બગેજ સ્કેનર, 2 ફાયર ફાઇટર , 2 એમ્બ્યુલન્સ, 30 વોકિટોકીનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે ખાસ સીસીટીવી કેમેરા કંટ્રોલ રુમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન બેગ, ટિફિન, ખાવાની વસ્તુ, પાણીની બોટલ, બીડી, માચીસ, લાઇટર, કેમેરા, લાકડી કે હથિયાર જેવી વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Back to top button