ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ડીસાઃ ભેળસેળીયા ઘીના વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

  • મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, ડીસા, પાલનપુર ખાતેથી ૧૧ નમૂના લેવામાં આવ્યા
  • ૪૦૦૦ કિગ્રાથી વધુનો જથ્થો જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો

પાલનપુર, 26 ફેબ્રુઆરી, 2025: ડીસાના ભેળસેળિયા ઘીના વેપારી ઉપર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

હકીકતે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, બનાસકાંઠા દ્વારા તારીખ: ૦૮/૦૫/ ૨૦૨૪ના રોજ મે. શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ, પ્લોટ નંબર-૫૧, જી.આઇ.ડી.સી., ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્થળ પર ફુડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડસ (લાયસન્‍સીંગ એન્‍ડ રજિસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન, ૨૦૧૧ની જોગવાઇઓનો ભંગ થતો જોવા મળ્યો હતો. જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -૩૨ હેઠળ ઇમ્પ્રુવમેન્‍ટ નોટિસ આપવામાં આવી હતી પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં તેની પુર્તતા ન કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ (લાઈસન્સ નંબર-૧૦૭૧૮૦૦૫૦૦૦૮૬૬) તારીખ: ૦૪/૧૦/૨૦૨૪ના રોજ રદ્દ કરવામાં આવ્યું હતું.

આ અનુસંધાને ગઈકાલે મંગળવારે ૨૫/૦૨/૨૦૨૫ના રોજ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધું હોવા છતાં ઘીનું ઉત્પાદન કરતી માલૂમ પડ્યું હતું. આથી, પેઢીના તપાસ કરતા અને પેઢીના જવાબદાર સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની પૂછપરછ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેળસેળની શંકા જતા તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતા સંજયકુમાર બાબુલાલ મહેસુરીયાની હાજરીમાં ઘીની અલગ -અલગ બ્રાંડ અને વજનના કુલ ૧૧ (અગિયાર) નમુના લેવામાં આવ્યા હતા.

ઉક્ત ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો જે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલો છે, જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૧૭.૫૦ લાખ અને વજન આશરે ૪૦૦૦ કિગ્રા થવા જાય છે. લીધેલા તમામ ૧૧ (અગિયાર) નમુનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ઉક્ત વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડીકેશન કેસમાં રુ. ૧.૨૫ લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમીનલ કેસમાં રૂ. ૨૫,૦૦૦ નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા અગાઉ પણ થઇ ચૂકેલી છે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાઈત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલો છે.

આ પણ વાંચોઃ ડીફોલ્ટર્સને ટાર્ગેટ કરતી સીબીડીટી, 40 હજાર કરદાતા રડાર હેઠળ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button